અદાણી ગ્રુપ PSP પ્રોજેક્ટ્સમાં હિસ્સો ખરીદી શકે છે, શેરમાં જોવા મળ્યો હતો તીવ્ર વધારો
અદાણી ગ્રુપ કંપનીનો બહુમતી હિસ્સો ખરીદવા માટે વાટાઘાટ કરી રહ્યું છે તેવા સમાચાર બહાર આવ્યા બાદ 19 નવેમ્બર 2024ના રોજ ગુજરાત સ્થિત કન્સ્ટ્રક્શન કંપની PSP પ્રોજેક્ટ્સના શેરમાં 12%નો મોટો ઉછાળો જોવા મળ્યો હતો અને ₹677.50 પર બંધ થયો. દિવસ દરમિયાન, સ્ટોક ₹734.95 ની ઊંચી સપાટી અને ₹647.65 ની નીચી સપાટીએ પહોંચ્યો હતો.
આ સમાચાર બાદ, PSP પ્રોજેક્ટ્સના શેર ₹716.85ના સ્તરે પહોંચ્યા, જે છેલ્લા એક કલાકમાં 11.36% નો વધારો દર્શાવે છે. જોકે, છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં લગભગ 8%નો ઘટાડો થયો છે. PSP પ્રોજેક્ટ્સનું માર્કેટ કેપ ₹2,680 કરોડ છે અને તેનો P/E રેશિયો 27.83 છે. PSP પ્રોજેક્ટ્સની 52-અઠવાડિયાની ઊંચી કિંમત ₹803.80 છે અને નીચી કિંમત ₹565.40 છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અદાણી ગ્રુપ PSP પ્રોજેક્ટ્સમાં લગભગ 60.14% હિસ્સો ખરીદવાની યોજના બનાવી રહ્યું છે. જો ડીલ ફાઇનલ થશે, તો જૂથે લઘુમતી શેરધારકો પાસેથી વધારાનો 26% હિસ્સો ખરીદવા માટે ઓપન ઓફર પણ કરવી પડી શકે છે, જે નિયમો હેઠળ જરૂરી હશે.
આ સંભવિત એક્વિઝિશન અદાણી ગ્રુપની આક્રમક વિસ્તરણ વ્યૂહરચનાનો એક ભાગ છે. અહેવાલો અનુસાર, અદાણી જૂથ આ નાણાકીય વર્ષના અંત સુધીમાં $5-7 બિલિયનનું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યું છે, જેમાં સિમેન્ટ, એરપોર્ટ, સંરક્ષણ, બંદરો, પાવર અને કન્ઝ્યૂમર ગુડ્સ જેવા ક્ષેત્રોમાં તેની હાજરી વધારવાનો સમાવેશ થાય છે.
અદાણી ગ્રુપે તાજેતરમાં ITD સિમેન્ટેશનનો 46.64% હિસ્સો રૂ. 3,204 કરોડમાં ખરીદ્યો હતો. આ સિવાય ગ્રુપે સી.કે. બિરલા ગ્રુપની કંપની ઓરિએન્ટ સિમેન્ટને રૂ. 8,100 કરોડમાં હસ્તગત કરી હતી. અદાણી ગ્રૂપની આ વ્યૂહરચના દર્શાવે છે કે તે કન્સ્ટ્રક્શન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં તેના બિઝનેસને સતત વિસ્તારવા માટે તૈયાર છે. PSP પ્રોજેક્ટ્સ બાંધકામ અને એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સના ક્ષેત્રમાં એક અગ્રણી નામ છે અને અદાણી જૂથ માટે, તેનું સંપાદન બાંધકામ પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવી શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp