પાકિસ્તાનમાં વધુ એક આત્મઘાતી હુમલો, 17 સૈનિકોના મોત
Suicide car bomb attack in Pakistan: પાકિસ્તાનમાં સતત આતંકવાદી ઘટનાઓ ચાલી રહી છે. હવે તાજેતરના આત્મઘાતી હુમલામાં પાકિસ્તાની સેનાના 17 જવાનોના મોત થઇ ગયા છે. આ આત્મઘાતી હુમલો ત્યારે થયો જ્યારે એક આતંકવાદીએ પોતાનું વિસ્ફોટક ભરેલું વાહન આર્મી ચેકપોસ્ટમાં ઘૂસાડી દીધું. આ વિસ્ફોટમાં 17 જવાનોના મોત થઇ ગયા. નોંધનીય છે કે એક દિવસ અગાઉ જ આ જ વિસ્તારમાં એક અન્ય આતંકી હુમલામાં પાકિસ્તાની સેનાના 8 જવાનોના મોત થયા હતા.
મીડિયા અહેવાલો અનુસાર, પાકિસ્તાનની ઉત્તર-પશ્ચિમ સરહદ પર સ્થિત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બન્નૂમાં એક આર્મી ચેકપોસ્ટ નજીક એક આતંકવાદીએ વિસ્ફોટથી ભરેલા વાહનમાં વિસ્ફોટ કર્યો, જેમાં પાકિસ્તાની સેનાના 17 સૈનિકો અને ફ્રન્ટિયર કોન્સ્ટેબલરીના 2 સૈનિકોના મોત થયા. આત્મઘાતી હુમલા બાદ અન્ય આતંકવાદીઓએ પાકિસ્તાની ચેકપોસ્ટ પર ગોળીબાર કર્યો હતો. હુમલામાં અન્ય 7 લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા. સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં 6 આતંકીઓ પણ માર્યા ગયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આત્મઘાતી વિસ્ફોટના કારણે માલી ખેલ ચોકી સાથે અનેક સૈન્ય વાહનોને પણ ભારે નુકસાન થયું છે. હાફિઝ ગુલ બહાદુર સશસ્ત્ર ગ્રુપે હુમલાની જવાબદારી લીધી છે.
થિંક ટેન્ક સેન્ટર ફોર રિસર્ચ એન્ડ સિક્યોરિટી સ્ટડીઝ (CRSS) અનુસાર, પાકિસ્તાનમાં ચાલુ વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં હિંસામાં 90 ટકાનો વધારો થયો છે. પાકિસ્તાન સરકાર અને સૈન્ય નેતૃત્વએ મંગળવારે બલૂચિસ્તાનમાં આતંકવાદી સંગઠનો સામે 'વ્યાપક સૈન્ય કાર્યવાહી'ને મંજૂરી આપ્યાના એક દિવસ બાદ આ હુમલો થયો છે, જેનું ઉદ્દેશ્ય તાજેતરના મહિનાઓમાં પ્રાંતમાં ફેલાયેલા આતંકવાદની લહેરને રોકવાનું છે.
નોંધનીય છે કે, એક દિવસ અગાઉ જ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં વધુ એક આતંકી હુમલામાં પાકિસ્તાની સેનાના 8 જવાનોના મોત થયા હતા. આ અથડામણમાં આતંકવાદીઓ અને સૈનિકો વચ્ચે કલાકો સુધી ગોળીબાર થયો હતો, જેમાં 9 આતંકવાદીઓ અને સેનાના 8 જવાનો માર્યા ગયા હતા. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન આતંકવાદી ગ્રુપે આ હુમલાની જવાબદારી લીધી હતી. TTPએ કહ્યું કે આ હુમલો સૈન્ય દ્વારા તેના લડવૈયાઓને નિશાનો બનાવવાના જવાબમાં કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે સોમવારે આતંકવાદીઓએ બન્નૂ ચેકપોઈન્ટ પાસે 7 પોલીસકર્મીઓને બંધક બનાવી લીધા હતા. જોકે બાદમાં તેમને છોડી દેવામાં આવ્યા હતા.
TTP અને હાફિઝ ગુલ બહાદુર ગ્રુપ અલગ-અલગ આતંકવાદી સંગઠન છે, પરંતુ બંને 2001થી અમેરિકાની આગેવાની હેઠળના નાટો ગઠબંધન સામેના તેમના યુદ્ધમાં અફઘાન તાલિબાનને સમર્થન આપવા માટે સક્રિય હતા. 2021માં અફઘાન તાલિબાને કાબૂલમાં સત્તા સંભાળી ત્યારથી પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. TTPએ ઓક્ટોબરના અંતમાં ખૈબર પખ્તુનખ્વામાં ચેકપોસ્ટ પર થયેલા હુમલાની જવાબદારી પણ સ્વીકારી હતી, જેમાં 10 પોલીસ અધિકારીઓ માર્યા ગયા હતા. પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમમાં, બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) ગ્રુપના અલગતાવાદી લડાકાઓએ શનિવારે એક સરહદ ચોકી પર 7 સૈનિકોની હત્યા કરી હતી. આ ઘટના પ્રાંતીય રાજધાની ક્વેટામાં એક ટ્રેન સ્ટેશન પર એજ ગ્રુપ દ્વારા કરવામાં આવેલા બોમ્બ વિસ્ફોટના એક અઠવાડિયા બાદ થઇ છે, જેમાં 14 સૈનિકો સહિત 26 લોકો માર્યા ગયા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp