સરકારની બેદરકારીના કારણે ભયાનક અકસ્માત, 12 લોકોના ઘટનાસ્થળે જ મોત; સ્લીપર બસ રસ્તા વચ્ચે પલટી
Hazaribagh Bus Accident: ઝારખંડના હજારીબાગ જિલ્લામાં ગુરુવારે સવારે લગભગ 6:00 વાગ્યે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. હાઈવે પર દોડતી એક સ્લીપર બસ અચાનક પલટી ગઈ હતી. બસ રોડ પર પડતાની સાથે જ મુસાફરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ દુર્ઘટનામાં લગભગ 12 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કેટલાક ઈજાગ્રસ્તોને RIMS, રાંચીમાં રીફર કરવામાં આવ્યા છે. જેમને નાની-મોટી ઈજાઓ થઈ હતી તેમને બરકઠ્ઠાના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. બસ કોલકાતાથી પટના જઈ રહી હતી ત્યારે જિલ્લાના બરકઠ્ઠા બ્લોકના ગોરહરમાં અકસ્માતનો શિકાર થઇ ગઈ. રાહદારીઓએ બચાવ કામગીરી હાથ ધરી હતી અને પોલીસને અકસ્માતની જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોચીને મૃતદેહોને કબજામાં લીધા અને બસ સીધી કરાવી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, ગાઢ ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીના કારણે આ અકસ્માત સર્જાયો હતો. ધુમ્મસના કારણે ડ્રાઈવર સ્પષ્ટ જોઈ શક્યો નહોતો અને તેનું સંતુલન ગુમાવ્યું હતું. તે બસ પર કાબૂ ન રાખી શક્યો અને બસ રોડ પર પલટી ખાઈ ગઈ હતી. મૃતકોમાં મહિલાઓની સંખ્યા વધુ છે. બસ નંબર (WB76A1548) છે, જે કોલકાતાનો નંબર છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દુર્ઘટનાની માહિતી મળતા જ રાજ્યના પૂર્વ ધારાસભ્ય જાનકી યાદવ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમની ટીમે અકસ્માત સ્થળે રાહત કામગીરી હાથ ધરી હતી. તેમજ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અપાવી હતી. તેમણે કહ્યું કે બરકઠ્ઠામાં સિક્સ લેન હાઈવે બનાવવાનું કામ છેલ્લા 6 વર્ષથી ચાલી રહ્યું છે, પરંતુ હજુ સુધી 2 કિલોમીટર લાંબા રોડનું બાંધકામ પૂર્ણ થયું નથી.
બાંધકામનું કામ પેટી કોન્ટ્રાક્ટર રાજ કેસરીની કંપનીને આપવામાં આવ્યું છે, પરંતુ કંપની દ્વારા રોડ તોડીને છોડી દેવામાં આવ્યો છે. આ પણ અકસ્માતનું એક કારણ છે. બસ તેનું સંતુલન ગુમાવી દેવા પર તૂટેલા રોડ પર ફસાઈ ગઈ અને પછી પલટી ગઈ. સરકાર દ્વારા અનેક વખત રોડ બનાવવાની કામગીરી પૂર્ણ કરવા જણાવાયું હતું, પરંતુ બેદરકારી દાખવવામાં આવી રહી છે અને અકસ્માતો થઇ રહ્યા છે.
તો ઉત્તર પ્રદેશના અલીગઢમાં બુધવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં 5 લોકોના મોત થયા હતા, જ્યારે 15 લોકો ઈજાગ્રસ્ત થઇ થયા હતા. મળતી માહિતી મુજબ, યમુના એક્સપ્રેસ વે પર મુસાફરોને લઈ જતી બસ ટ્રક સાથે અથડાતા બસના ટુકડા થઈ ગયા હતા. મૃતકોમાં એક 5 મહિનાનું બાળક, એક મહિલા અને 3 પુરૂષોનો સમાવેશ થાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp