અર્થવ્યવસ્થાને મોટો ઝટકો, દેશની GDP 2 વર્ષમાં સૌથી નીચલા સ્તરે
India Q2 GDP Growth 2024: ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિનું અગાઉનું નીચું સ્તર 4.3 ટકા હતું, જે નાણાકીય વર્ષ 2022-23ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં નોંધાયું હતું. જો કે, ભારત સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર રહ્યું. આ વર્ષે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ચીનનો GDP વૃદ્ધિ દર 4.6 ટકા હતો.મેન્યૂફેક્ચરિંગ સેક્ટરના નબળા પ્રદર્શનના કારણે ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશનો આર્થિક વિકાસ ઘટીને 5.4 ટકા થયો હતો, જે લગભગ 2 વર્ષમાં તેનું સૌથી નીચલું સ્તર છે. શુક્રવારે જાહેર કરાયેલા સત્તાવાર આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિ દર 8.1 ટકા હતો.
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO)ના ડેટા દર્શાવે છે કે નાણાકીય વર્ષ 2024-25 ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કૃષિ ક્ષેત્રે 3.5 ટકા વૃદ્ધિ નોંધાવી હતી, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 1.7 ટકા હતી. મેન્યૂફેક્ચરિંગ સેક્ટરનો વિકાસ દર છેલ્લા ત્રિમાસિક ગાળામાં ઘટીને 2.2 ટકા થયો હતો, જ્યારે એક વર્ષ અગાઉ તેણે 14.3 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી.
બીજા ત્રિમાસિક ગાળાનાGDPના આંકડા આવવાથી ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં GDP વૃદ્ધિ છ ટકા રહેવાનો અંદાજ છે. ગયા નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં GDP ગ્રોથ 8.2 ટકા હતો. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં GDP વૃદ્ધિ 6.7 ટકા પર યથાવત રહી.
નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ 7 મહિનામાં કેન્દ્રનું રાજકોષીય નુકસાન આખા વર્ષના લક્ષ્યાંકના 46.5 ટકા સુધી પહોંચી ગયું. શુક્રવારે સરકારી આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (CGA)ના ડેટા અનુસાર, એપ્રિલ-ઓક્ટોબરના સમયગાળા દરમિયાન રાજકોષીય નુકસાન રૂ. 7,50,824 કરોડ હતું. સરકારના ખર્ચ અને આવક વચ્ચેના તફાવતને રાજકોષીય નુકસાન કહેવામાં આવે છે. નાણાકીય વર્ષ 2023-24ના સમાન સમયગાળામાં નુકસાન, બજેટ અંદાજના 45 ટકા હતું.
સામાન્ય બજેટમાં, સરકારે ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં રાજકોષીય નુકસાનને કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) ના 4.9 ટકા પર લાવવાનો અંદાજ મૂક્યો હતો. આમ, સરકાર ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન રાજકોષીય નુકસાનને રૂ. 16,13,312 કરોડ સુધી સીમિત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp