કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાહુલ ગાંધીના નજીકના સાથી સેમ પિત્રોડાએ એક મોટો દાવો કરીને નવો વિવાદ ઉભો કરી દીધો છે. સેમ પિત્રોડાએ કહ્યું છે કે ચીન તરફથી જોખમ ઘણીવાર અતિશયોક્તિપૂર્ણ હોય છે. તેમનું કહેવું છે કે ભારતે ચીનને પોતાનો દુશ્મન માનવાનું બંધ કરી દેવું જોઈએ. હવે સમય આવી ગયો છે કે આપણે આપણા પાડોશી દેશને ઓળખીએ અને તેનું સન્માન કરીએ. ભારત-ચીન સંબંધો પર પિત્રોડાએ કહ્યું કે ભારતે પોતાની માનસિકતા બદલવાની અને ચીન દુશ્મન છે તેવી ધારણા છોડી દેવાની જરૂર છે.
પિત્રોડાએ કહ્યું કે ભારતનો અભિગમ હંમેશાં ટકરાવવાળો રહ્યો છે, જે દુશ્મનાવટ પેદા કરે છે. આ વિચારસરણી બદલવી જોઈએ. એ જરૂરી નથી કે આપણે હંમેશાં ચીનને દુશ્મન માનીએ અને આ ફક્ત ચીન માટે જ નહીં પરંતુ દરેક માટે હોવું જોઈએ. મને ખબર નથી કે ચીનથી શું જોખમ છે. મને લાગે છે કે આ મુદ્દાને ઘણીવાર અતિશયોક્તિપૂર્ણ રજૂ કરવામાં આવે છે, કારણ કે અમેરિકાએ હંમેશાં તેના દુશ્મનને ઓળખવો પડે છે.
કોંગ્રેસ નેતાએ એમ પણ કહ્યું કે હવે બધા દેશો માટે એક સાથે આવવાનો સમય આવી ગયો છે. આપણે શીખવાની, વાતચીત કરવાની, સહયોગ કરવાની અને સાથે મળીને કામ કરવાની જરૂર છે; આપણે કમાન્ડ અને કંટ્રોલ માનસિકતાથી આગળ વધવાની જરૂર છે. ચીન ચારે બાજુ છે, ચીન ઉભરી રહ્યું છે, આપણે તેને ઓળખવું અને સમજવું પડશે. દરેક દેશ આગળ વધી રહ્યો છે, કેટલાક ઝડપથી, કેટલાક ધીમા. જે ખૂબ ગરીબ છે તેમણે ઝડપથી વિકાસ કરવો પડશે અને જે અમીર છે તેમનો ધીમો વિકાસ થશે. જે વિકસિત છે તેમની વસ્તી વૃદ્ધ થશે જ્યારે વિકાસશીલ દેશોમાં યુવાન વસ્તી હશે. આપણે આ બધી બાબતોને એકસાથે જોવી પડશે.
મોદી-ટ્રમ્પ મુલાકાત બાદ આપ્યું નિવેદન
પિત્રોડાની આ ટિપ્પણી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે તાજેતરમાં થયેલી મુલાકાત બાદ આવી છે, જેમાં ભારત-ચીન સરહદી તણાવ અંગે ચર્ચા થઈ હતી. 13 ફેબ્રુઆરીના રોજ એક સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવમાં મધ્યસ્થી કરવાની ઓફર કરી હતી, જે દર્શાવે છે કે અમેરિકા પરિસ્થિતિને શાંત કરવામાં પોતાની ભૂમિકા ભજવવા તૈયાર છે. ભારતે ટ્રમ્પના આ પ્રસ્તાવને તાત્કાલિક નકારી કાઢ્યો.
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે, અમારા કોઈપણ પડોશી દેશ સાથે અમારા ગમે તે મુદ્દાઓ હોય, અમે હંમેશાં તેને દ્વિપક્ષીય રીતે ઉકેલવાનો પ્રયાસ કરીએ છીએ. ભારત અને ચીન વચ્ચે પણ આવી જ સ્થિતિ છે. અમે દ્વિપક્ષીય સ્તરે અમારા મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છીએ અને આમ કરતા રહીશું.
આ દરમિયાન, ભાજપના નેતા અજય આલોકે કહ્યું કે સેમ પિત્રોડા રાહુલ ગાંધીના માર્ગદર્શક છે અને રાહુલ પણ ચીનના વખાણ કરતા રહે છે. ચીન અને રાહુલ ગાંધી અને કોંગ્રેસ વચ્ચે ખૂબ જૂની મિત્રતા છે. સેમ પિત્રોડાએ કંઈ ખોટું કહ્યું નથી. કોંગ્રેસ, રાહુલ ગાંધી અને ચીન વચ્ચે ગાઢ સંબંધો છે. મહાકુંભ પર લાલુ યાદવના નિવેદન પર તેમણે કહ્યું કે, આ લોકો સનાતનની વિરુદ્ધ છે, તેઓ રાજકીય ગીધ છે, જે મહાકુંભને રાજકીય ચશ્માથી જુએ છે.
પ્રદીપ ભંડારીએ શું કહ્યું?
સેમ પિત્રોડાના નિવેદન પર ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કહ્યું કે, "રાહુલ ગાંધીના વિશ્વાસુ સેમ પિત્રોડાએ પણ કહ્યું હતું કે આપણે ચીનને નફરતથી ન જોવું જોઈએ, આ દર્શાવે છે કે તેઓ ચીન સાથે છે અને ભારતને નફરત કરે છે. રાહુલ ગાંધી એક એવા એજન્ટ છે જે ભારતના વિકાસ વિશે ઓછી વાત કરે છે અને તેના બદલે ચીન અને જ્યોર્જ સોરોસ વિશે વધુ વાતો કરે છે. સંસદમાં પોતાના ભાષણમાં પણ રાહુલ ગાંધીએ ભારત કરતા ચીન વિશે વધુ વાત કરી. જવાહરલાલ નહેરુએ પણ આપણા દેશનો એક અભિન્ન હિસ્સો ચીનને આપી દીધો હતો.
કોંગ્રેસ પાર્ટીની સહાનુભૂતિ ભારત કરતા ચીન પ્રત્યે વધુ છે. રાહુલ ગાંધી ચીનના રિમોટ કંટ્રોલ બની ગયા છે અને જ્યોર્જ સોરોસ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ હવે ભારતીય રાષ્ટ્ર વિરોધી કોંગ્રેસ બની ગઈ છે. એટલા માટે રાહુલ ગાંધી કહે છે કે તેઓ ભારતીય રાજ્ય સામે લડવા માગે છે.