થઈ ગઈ નવા પોપની જાહેરાત, જાણો કોણ બન્યા ખ્રિસ્તીઓના સૌથી મોટા ધર્મગુરુ
વેટિકન સિટીમાં સિસ્ટિન ચેપલની ચીમનીમાંથી સફેદ ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. તેનો અર્થ એ થયો કે કેથોલિક ચર્ચના કાર્ડિનલ્સે આગામી પોપની પસંદગી કરી લીધી છે. ગુરુવારે સેન્ટ પીટર્સ સ્ક્વેરમાં વરિષ્ઠ કાર્ડિનલ્સે જાહેરાત કરી કે યુનાઇટેડ સ્ટેટ્સના રોબર્ટ પ્રીવોસ્ટ કેથોલિક ચર્ચના નવા પોપ હશે અને પોપ લીઓ XIV તરીકે ઓળખાશે. રોબર્ટ પ્રીવોસ્ટ પ્રથમ અમેરિકન પોપ છે.
સિસ્ટિન ચેપલની ચીમનીમાંથી સફેદ ધુમાડો નીકળવા લાગ્યો તેના 70 મિનિટ બાદ પોપ લીઓ સેન્ટ પીટર્સ બેસિલિકાની મધ્ય બાલ્કનીમાં દેખાયા હતા. ત્યારબાદ સ્પષ્ટ થયું કે 133 કાર્ડિનલ ઇલેક્ટર્સે કેથોલિક ચર્ચ માટે એક નવા નેતાની પસંદગી કરી લીધી છે. ફ્રાન્સના કાર્ડિનલ ડોમિનિક મેમ્બર્ટી દ્વારા નવા પોપ તરીકે રોબર્ટ પ્રીવોસ્ટના નામની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે સેન્ટ પીટર્સ સ્ક્વેરમાં એકઠા થયેલા હજારો લોકોને કહ્યું કે ‘આપણી પાસે એક પોપ છે.’
69 વર્ષીય રોબર્ટ પ્રીવોસ્ટ મૂળ શિકાગોના રહેવાસી છે. પ્રિવોસ્ટે તેમની કારકિર્દીનો મોટાભાગનો સમય પેરુમાં મિશનરી તરીકે વિતાવ્યો અને તેઓ વર્ષ 2023માં જ કાર્ડિનલ બન્યા હતા. તેમણે ખૂબ ઓછા મીડિયા ઇન્ટરવ્યૂ આપ્યા છે અને ભાગ્યે જ સાર્વજનિક રૂપે વાત કરે છે. પોપ ફ્રાન્સિસના મોત બાદ લીઓ 267મા કેથોલિક પોપ બન્યા છે. પોપ ફ્રાન્સિસ પ્રથમ લેટિન અમેરિકન પોપ હતા અને તેમણે 12 વર્ષ સુધી કેથોલિક ચર્ચનું નેતૃત્વ કર્યું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp