લેન્ડ ફોર જોબ' કેસમાં લાલૂ પરિવારને મોટો ઝટકો, રાઉઝ એવન્યૂ કોર્ટે સમન્સ પાઠવ્યા
Lalu Yadav: જમીનના બદલે નોકરી (લેન્ડ ફોર જોબ) સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર કેસમાં લાલૂ પ્રસાદ યાદવના પરિવારને મોટો ઝટકો લાગ્યો છે. આ કેસમાં દાખલ કરાયેલી અંતિમ ચાર્જશીટની નોંધ લેતા, રાઉઝ એવન્યૂ કોર્ટે લાલુ યાદવ અને તેમના પુત્ર-પુત્રીને સમન્સ મોકલ્યા છે.
રાઉજ એવન્યૂ કોર્ટે આ કેસમાં નામાંકિત તમામ આરોપીઓને સમન્સ પાઠવ્યા છે, જેમાં ભૂતપૂર્વ રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવ, તેમના પુત્રી હેમા યાદવ અને પુત્ર તેજ પ્રતાપ યાદવનો સમાવેશ થાય છે. CBIએ લાલૂ યાદવ સહિત 78 લોકો વિરુદ્ધ અંતિમ ચાર્જશીટ દાખલ કરી હતી. આ આધારે, તમામ આરોપીઓને 11 માર્ચે હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે.
લાલુ પ્રસાદ યાદવ પર 2004 થી 2009 દરમિયાન રેલવે મંત્રી હતા ત્યારે એક મોટું કૌભાંડ કરવાનો આરોપ છે. રેલવેમાં લોકોને નોકરી આપવાના નામે, તેમણે પોતાના પરિવારના સભ્યોના નામે જમીન અને મિલકત ટ્રાન્સફર કરાવી. જમીનના બદલામાં, મુંબઈ, જબલપુર, કોલકાતા, જયપુર અને હાજીપુરના રેલવે ઝોનમાં નોકરીઓ આપવામાં આવી હતી. એવો આરોપ છે કે રેલવેમાં વિવિધ જગ્યાઓ પર ભરતીના બદલામાં, રસ ધરાવતા લોકોની જમીનો ખૂબ જ ઓછી કિંમતે લેવામાં આવી હતી અથવા ભેટ તરીકે ટ્રાન્સફર કરાવવામાં આવી હતી.
CBI અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આ કેસની તપાસ શરૂ કરી હતી, જેમાં લાલુ યાદવ, તેમના પરિવાર અને તેમના કેટલાક નજીકના સહયોગીઓ સામે છેતરપિંડી, ભ્રષ્ટાચાર અને મની લોન્ડ્રિંગ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ તપાસના દાયરામાં ઘણા વરિષ્ઠ અધિકારીઓ પણ આવ્યા. CBIએ અનેક સ્થળોએ દરોડા પાડીને પુરાવા પણ એકત્રિત કર્યા. જે 78 લોકો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી તેમાં ૩૦ વરિષ્ઠ સરકારી અધિકારીઓના નામ પણ સામેલ છે. આમાં રેલવેના વરિષ્ઠ અધિકારીઓને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp