₹62000000000ની ડીલ, અદાણીએ કેન્યા સાથે કરી વધુ એક મોટી સમજૂતી, જાણો કંપની શું કરશે
ગૌતમ અદાણી વિશ્વના ઘણા દેશો સાથે ઘણી ડીલ કરી રહ્યા છે. હવે તેમણે કેન્યા સરકાર સાથે નવી ડીલ કરી છે. જો કે કેન્યાના એરપોર્ટને લઇને તેમની ડીલ હજુ ફસાયેલી છે. પરંતુ નવી ડીલને અદાણીનો માસ્ટરસ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે. આ ડીલ 736 મિલિયન ડૉલર (લગભગ 6200 કરોડ રૂપિયા)ની છે.
નવી ડીલ હેઠળ અદાણી ગ્રુપની કંપની અદાણી એનર્જી કેન્યામાં પાવર ટ્રાન્સમિશન લાઇનોનું સંચાલન કરશે. તેના માટે અદાણી એનર્જી સોલ્યૂશન્સ લિમિટેડે કેન્યા ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન કંપની લિમિટેડ (કેટ્રાકો) સાથે ડીલ કરી છે. આ ડીલ 30 વર્ષ માટે થઇ છે. કેન્યાના ઉર્જા બાબતોના કેબિનેટ સચિવ ઓપિયો વાન્ડાઇએ આ માહિતી આપી હતી.
હાલમાં કેન્યા વીજળી સંકટનો સામનો કરી રહ્યું છે. આ ડીલ મુજબ અદાણી એનર્જી કેન્યામાં મોટી ટ્રાન્સમિશન લાઇનો અને સબસ્ટેશનો વિકસાવશે. કંપની ફાઇનાન્સ, બાંધકામ, સંચાલન અને જાળવણી પણ કરશે. આ પ્રોજેક્ટનો હેતુ દેશના ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવાનો છે જેથી વિશ્વસનીય પાવર સુનિશ્ચિત થાય.
કેન્યા સરકાર આ પ્રોજેક્ટ પર કોઇ પૈસાનો ખર્ચ નહીં કરે. ઓપિયો વાન્ડાઇના જણાવ્યા અનુસાર, પ્રોજેક્ટ કંપની (AESL) આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે લોન અને ઇક્વિટી દ્વારા ભંડોળ એકત્ર કરશે. આ રકમ 30 વર્ષના સમયગાળામાં ચૂકવવામાં આવશે. તેનો નિર્ણય સ્પર્ધાત્મક બીડિંગ પ્રક્રિયા દ્વારા લેવામાં આવશે, જેનું સંચાલન કેટ્રાકો અને AESL દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે. AESL ત્રણ ટ્રાન્સમિશન લાઇન અને બે સબસ્ટેશન વિકસાવશે.
કેન્યામાં અદાણી ગ્રુપનો આ બીજો મોટો પ્રોજેક્ટ છે. અગાઉ આ ગ્રુપે કેન્યાના મુખ્ય એરપોર્ટના સંચાલન માટે ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. જોકે, સ્થાનિક લોકોના વિરોધ બાદ આ પ્રસ્તાવને અટકાવી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે કેન્યા સરકારે દેશના સૌથી મોટા એરપોર્ટ જોમો કેન્યાટા ઇન્ટરનેશનલ એરપોર્ટ (JKIA)ને અદાણી ગ્રુપને 30 વર્ષ માટે લીઝ પર આપવાની જાહેરાત કરી હતી. કેન્યા એવિએશન વર્કર્સ યુનિયન (KAWU) અદાણીના આ ડીલ વિરુદ્ધ છે. આ યુનિયનની માગ છે કે આ ડીલ રદ કરવામાં આવે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp