સુરત : સુરતની પશ્ચિમ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદીના મોટા ભાઈનું આજે નિધન થયું છે.
કોરોનાની મહામારી સુરતને અજગર ભરડો લઇ રહી હોય એમ લાગે છે. આજે સુરત પશ્ચિમના ધારાસભ્ય અને ભાજપના મોટા નેતા શ્રી પૂર્ણેશભાઈ મોદીના મોટા ભાઈ કોરોનાનો ભોગ બન્યા હતા.
પ્રાપ્ત થતી માહિતી મુજબ છેલ્લા દસ-પંદર દિવસોથી પૂર્ણેશભાઈનો પરિવાર કોરોનાની ઝપટે હતો. પૂર્ણેશભાઈના બે ભાઈઓ, એમના જમાઈ, વેવાઈ વગેરે સદસ્યોનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. જેણે પરિણામે આખા પરિવારે ક્વોરેનટાઈન થવું પડેલું. બીજા સભ્યો ધીમે ધીમે કોરોનાને માત આપવામાં સફળ રહ્યા. પરંતુ પૂર્ણેશભાઈના મોટા ભાઈ શ્રી દીપકભાઈ મોદીની હાલતમાં સુધારો નહોતો.
દીપકભાઈને અડાજણની બાપ્સ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં અઆવ્યા હતા. પરંતુ આજે એમની હાલત વધારે ગંભીર થઇ હતી. અને બાર-પંદર દિવસની લડત બાદ અંતે એમણે બાપ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
પૂર્ણેશભાઈ ભાજપના સિનીયર અને મોટા ગજાના નેતા છે. હાલમાં પક્ષે નજીકના ભવિષ્યમાં યોજાનારી ધારાસભાની પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પૂર્ણેશભાઈને ડાંગના પ્રભારી બનાવ્યા છે. એટલે તેઓ છેલ્લા ઘણા દિવસથી ડાંગ અને ગાંધીનગર વચ્ચે દોડધામમાં હતા. સુત્રોના જણાવ્યા મુજબ આ દુઃખદ બનાવ બન્યો ત્યારે પણ તેઓ ગાંધીનગર હતા. સમાચાર જાણ્યા બાદ તેઓ સુરત પહોંચ્યા હોવાનું કહેવાય છે.
સુરતમાં દિનપ્રતિદિન કોરોનાની પરિસ્થિતિ વિકટ બની રહી છે. આજે આ લખાય છે ત્યારે સુરત શહેરમાં ૨૭૧ અને સુરત જિલ્લામાં ૫૪ નવા કેસ આવ્યા છે. આજના દિવસ દરમિયાન દીપકભાઈ મોદી સહિત કુલ દસ વ્યક્તિઓએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. આ પહેલા શહેરના જાણીતા તબીબ ડૉ દિલીપ મોદીએ કોરોનામાં જીવ ગુમાવ્યો ત્યારે તબીબી આલમમાં પણ સોપો પડી ગયેલો. સેવાભાવી સંસ્થા ‘છાંયડો’ના સંવર્ધક શ્રી ભરતભાઈ શાહના ત્રણ-ત્રણ ભાઈઓ કોરોનાનો ભોગ બની ચૂક્યા છે!