સુરત: યુવતીને પ્રેમલગ્ન કરવા મોંઘા પડ્યા, દિયરની કરતૂત પતિને જણાવી તો મહિલાને પત્ની તરીકે સ્વીકારવાની જ ના પાડી દીધી
Surat Crime News: આમ તો પ્રેમ કોઈ પણ વ્યક્તિ સાથે ખૂબ સરળતાથી થઇ જાય છે, પરંતુ તેને નિભાવવો ખૂબ મુશ્કેલ છે. ભાગ્યે જ કેટલાક લોકો પોતાના પ્રેમ પ્રત્યે વફાદાર હોય છે અને તેને સારી રીતે નિભાવી જાણે છે. બંને વ્યક્તિઓ વચ્ચે વફાદારી પણ ખૂબ મહત્ત્વની છે. આમ તો પ્રેમમાં છળ-કપટ કરવાની વાત કઈ નવી નથી. આવી જ એક ઘટના સુરતના કતારગામથી સામે આવી છે. એક યુવનીને પ્રેમ લગ્ન કરવા મોંઘા પડી ગયા. અહીં એક મહિલાએ પોતાના દિયરની કરતૂત વિશે પતિને જણાવ્યું તો પતિએ મહિલાને જ સ્વીકારવાની ના પાડી દીધી અને ઘરમાંથી કાઢી મુકી હતી, જેથી મહિલાએ પોલીસના શરણે જવાની ફરજ પડી હતી.
મળતી માહિતી મુજબ, અમદાવાદ એરપોર્ટ પર નોકરી કરતી વખતે તેના સહકર્મી સાથે પ્રેમ થઇ ગયો અને ત્યારબાદ બંને લગ્ન કરીને સુરત રહેવા આવી ગયા હતા. લગ્નના થોડા દિવસ બાદ જ પરિવારમાં ઝઘડા ચાલુ થઇ ગયા હતા. આ દરમિયાન દિયરે ભાભીને છેડતી કરીને તેની પાસે અભદ્ર માગ કરી નાખી. મહિલાએ આ વાતની જાણ પતિને કરી તો પતિએ મહિલાને સાથ આપવાની જગ્યાએ, તેને જ હડધૂત કરી દીધી અને તેને સ્વીકારવાની ના પાડી દઇને ઘરમાંથી કાઢી મૂકી. આ બંનેએ 25 દિવસ અગાઉ જ પ્રેમ લગ્ન કર્યા હતા અને આટલા જ દિવસમાં મહિલાએ પોલીસનો સહારો લેવાનો વારો આવ્યો છે.
મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, તેનો પતિ, તેની નણંદ અને સાસુ ભેગા મળીને નાની-નાની વાતે મારી સાથે ઝઘડો કરતા હતા અને મારી જાતિ વિષયક શબ્દ બોલીને અપમાનિત કરતા હતા. એટલું જ નહીં 21 જાન્યુઆરીના રોજ બપોરે તેના દિયરે પરિણીતાના રૂમમાં આવીને શારીરિક અડપલા કર્યા હતા અને અભદ્ર માગ કરી હતી, જેથી તેણે આ અંગેની જાણ પતિને કરી હતી, પરંતુ પતિએ પણ તેના નાના ભાઈનો સાથ આપ્યો અને પરિણીતાને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. સાથે જ પત્ની તરીકે તેને સ્વીકારવાની ના પાડી દીધી. આ અંગે પોલીસે પતિ સાગર બરડે, કિરણ બરડે સહિત કેટલાક લોકો સામે એટ્રોસિટી અને છેડતીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp