ભારતના આ રાજ્યોમાં મહિલાઓ “હિક.... હિક... ચિયર્સ” કરવામાં છે સૌથી આગળ! સૌથી વધુ દારુ કઈ મહિલાઓ પી જાય છે?
LifeStyle Desk: ભારતમાં મોટા ભાગના લોકો ફંક્શન, પાર્ટી, તહેવારો અથવા ખુશીના પ્રસંગોમાં દારૂનું સેવન કરે છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે, જેઓ રોજ દારૂનું સેવન કરે છે. એમને રોજ સાંજ પડે એટલે ‘રાજાપાઠ’માં રહેવાનું ગમે છે. ભારતમાં મહિલાઓ કરતાં પુરુષો વધુ દારૂ પીવે છે. પરંતુ તમને જાણીને આંચકો લાગશે કે દેશના અનેક રાજ્યોમાં ‘રાણીપાઠ’માં રહેવાનું પસંદ કરતી મહિલાઓની પણ આપણી ધારણા કરતા વધારે છે! ભારતના કયા રાજ્યમાં દારૂ પીનાર મહિલાઓ ‘ચિયર્સ’ કરવામાં આગળ છે, જાણો.
2022માં થયેલા નેશનલ ફેમીલી હેલ્થ સર્વે મુજબ ભારતમાં દારુ પીનારા લોકો વિશેના જે આંકડાઓ મળ્યા, એ ખાસ્સા રસપ્રદ છે. સર્વેના આંકડાઓ જણાવે છે કે ગ્રામીણ ભારતમાં શહેરોની સરખામણીએ વધુ શરાબ સેવન થાય છે. 2022ના રીપોર્ટ મુજબ 15 વર્ષની ઉપરના 18.7% દારુ પીવાના શોખીન છે. સરેરાશ મુજબ જોઈએ તો ગ્રામીણ ભારતમાં 19.9% પુરુષો ‘રાજાપાઠ’માં રહેવાનું પસંદ કરે છે. જ્યારે શહેરી પુરુષોમાં આ પ્રમાણ 16.5%નું છે. જો મહિલાઓની પણ વાત કરીએ તો આશ્ચર્યજનક રીતે ગ્રામીણ મહિલાઓ શરાબની વધુ ‘શોખીન’ જણાઈ છે. ભારતની ગ્રામીણ મહિલાઓ પૈકી 1.6% જ્યારે શહેરોમાં 0.6% મહિલાઓ શરાબનું સેવન કરે છે.
અહીં એ જાણવું પણ રસપ્રદ થઇ રહેશે કે કયા રાજ્યની સ્ત્રીઓ ‘ચીયર્સ’ કરવામાં મોખરે છે.
છત્તીસગઢ રાજ્યમાં સૌથી ઓછી મહિલાઓ દારૂ પીવે છે. આ રાજ્યમાં 4.9 ટકા મહિલાઓ દારૂનું સેવન કરે છે. આંદામાન અને નિકોબાર ટાપુઓની કેટલીક મહિલાઓ પણ દારૂ પીવાનું પસંદ કરે છે. અહીં 5 ટકા મહિલાઓ દારૂનું સેવન કરે છે. ઝારખંડ રાજ્યમાં 6 ટકાથી વધુ મહિલાઓ દારૂ પીવાનું પસંદ કરે છે. તેલંગાણા રાજ્ય દારૂમાંથી 40,000 કરોડ રૂપિયાની રેકોર્ડ આવક હાંસલ કરવા તરફ આગળ વધી રહ્યું છે. તેલંગાણા રાજ્યમાં લગભગ 6.7 ટકા મહિલાઓ દારૂ પીવે છે. પૂર્વોત્તર રાજ્ય આસામમાં 7.3 ટકા મહિલાઓ દારૂનું સેવન કરે છે.
દારૂ પીતી મહિલાઓની સંખ્યામાં સિક્કિમ રાજ્ય બીજા નંબરે આવે છે. અહીંની 16.2 ટકા મહિલાઓ દારૂનું સેવન કરે છે. અને અરુણાચલ પ્રદેશમાં મહિલાઓ સૌથી વધુ દારૂ પીતી હોય છે. આ રાજ્યમાં 24 ટકા મહિલાઓ દારૂનું સેવન કરે છે. અહીં દારૂ પીનારા પુરુષોની સંખ્યા 53 ટકા છે!
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp