ઇન્ડિગોના MDએ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપતા કરી દીધી મોટી જાહેરાત
સ્વર્ગસ્થ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપતા ઇન્ટરગ્લોબ એન્ટરપ્રાઇઝિસ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ભાટિયાએ ગુરુવારે જણાવ્યું હતું કે વૈશ્વિક ઉડ્ડયન ક્ષેત્રમાં ભારતનું યોગ્ય સ્થાન સુનિશ્ચિત કરવા માટે ઇન્ડિગો, એર ઇન્ડિયા સાથે મળીને કામ કરશે. PTIના રિપોર્ટ અનુસાર, ભાટિયાએ એક નિવેદનમાં કહ્યું હતું કે આપણે બધા જાણીએ છીએ કે, ટાટાને ફ્લાઈંગ મશીનોનો ખૂબ શોખ હતો, અને મને એ જોઇને ખૂબ જ આનંદ થયો કે એર ઇન્ડિયા ફરીથી તે સ્થાને પહોંચી ગઇ છે જ્યાં તે ખરેખર હતી. ટાટા સન્સના માનદ ચેરમેન ટાટાનું બુધવારે રાત્રે નિધન થઇ ગયું.
રિપોર્ટ મુજબ, ભાટિયાએ કહ્યું કે હું એમ કહેવા માટે ખૂબ નાનો વ્યક્તિ છું, પરંતુ ટાટાના ઉડાણ પ્રત્યેના પ્રેમ અને ભારતીય ઉડ્ડયનના ભવિષ્ય માટેના તેમના વિઝનને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા ઇન્ડિગો, ખૂબ જ વિનમ્રતાપૂર્વક, વૈશ્વિક ઉડ્ડયન ક્ષેત્રમાં ભારતનું યોગ્ય સ્થાન સુનિશ્ચિત કરવા એર ઇન્ડિયા સાથે મળીને કામ કરશે. ઇન્ટરગ્લોબ એન્ટરપ્રાઇઝિસ એ દેશની સૌથી મોટી એરલાઇન, ઇન્ડિગોની મૂળ કંપની છે. ભાટિયાએ એ પણ યાદ કર્યું કે જ્યારે તેમને 1985માં કૉલેજમાંથી પરત ફર્યા ત્યારે તેમને ટાટા સાથે વાતચીત કરવાની તક મળી હતી.
ભાટિયાના જણાવ્યા અનુસાર, તેમણે ટાટા ગ્રુપ, નૉર્ટેલ (તે સમયે નોર્ધન ટેલિકોમ તરીકે ઓળખાતું) અને ઇન્ટરગ્લોબના અગાઉના અવતાર વચ્ચે ડિજિટલ ટેલિફોન સ્વીચ (એક્સચેન્જ)ના નિર્માણ પર ત્રિ-માર્ગીય સહયોગના અવસર અંગે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે પહેલ સફળ ન થઇ હોવા છતા, ટાટાની તાજગીભરી નિખાલસતા અને નમ્રતાએ મારા પર કાયમી છાપ છોડી. વધુમાં ભાટિયાએ કહ્યું કે આ અત્યંત મુશ્કેલ સમયમાં તેમના વિચારો ટાટા પરિવાર અને ટાટા ગ્રુપના કર્મચારીઓ સાથે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp