1 જાન્યુઆરીથી થિયેટરોમાં ફિલ્મ 'ધુરંધર'નું નવું વર્ઝન જોવા મળશે, જ્યારે સિક્વલ રીલીઝ થશે આ તારીખે, જાણો સંપૂર્ણ વિગતો
વર્ષ ૨૦૨૫ની બોલીવુડની સૌથી ચર્ચિત અને લોકો દ્વારા ખૂબ પસંદ કરાયેલ ફિલ્મ 'ધુરંધર' હજુ એ થીયેટરોમાં ધૂમ મચાવી રહી છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી સ્પાય-થ્રિલર ફિલ્મ 'ધુરંધર' વિવાદ અને સફળતા બંને વચ્ચે ઘેરાયેલી રહી છે. આ ફિલ્મે ઈતિહાસ રચતા અત્યાર સુધીમાં વિશ્વભરમાં ₹1100 કરોડથી વધુની કમાણી કરી છે. જો કે, માહિતી અને પ્રસારણ મંત્રાલયની સૂચના અનુસાર 1 જાન્યુઆરીથી થિયેટરોમાં આ ફિલ્મનું નવું વર્ઝન જોવા મળશે.
રણવીર સિંહની બ્લોકબસ્ટર ફિલ્મ 'ધુરંધર'માં મહત્ત્વના ફેરફારો કરાયા છે. માહિતી અનુસાર, આ ફિલ્મના કેટલાક દ્રશ્યો સામે બલુચ સમાજે વાંધો ઉઠાવતા ફિલ્મના કેટલાક વિવાદાસ્પદ ડાયલોગ્સ પર કાતર ફેરવવામાં આવી છે. ખાસ કરીને 'બલૂચ' શબ્દને મ્યુટ કરી દેવામાં આવ્યો. મહત્વનું છે કે, આ સુધારાના અમલીકરણ માટે ડિસ્ટ્રીબ્યુટર્સ દ્વારા 31 ડિસેમ્બરના રોજ દેશભરના સિનેમા હોલ્સને ઈ-મેલ મોકલી જૂની DCP ફાઈલને બદલે નવું 'રિવાઈઝ્ડ વર્ઝન' વાપરવાની સૂચના અપાઈ છે. પરિણામે 1 જાન્યુઆરી, 2026થી થિયેટરોમાં પ્રેક્ષકોને આ નવા વર્ઝન સાથે ફિલ્મ બતાવવામાં આવશે. અહીં સૌથી મોટી ખાસ વાત એ છે કે, આ ફિલ્મનો બીજો ભાગ પણ અત્યંત ઝડપથી આવી રહ્યો છે. 'ધુરંધર પાર્ટ-2' 19 માર્ચ, 2026ના રોજ રિલીઝ થવાની તૈયારીમાં છે. જો કે કોઈ ફિલ્મ માટે આવું ભાગ્યે જ જોવા મળ્યું હશે કે, માત્ર 3 મહિનાના ટૂંકા ગાળામાં જ તેની સિક્વલ રિલીઝ થઈ જાય.
નોંધનીય છે કે, 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક' જેવી બ્લોકબસ્ટર ફિલ્મ આપનાર નિર્દેશક આદિત્ય ધરની મોટા બજેટની આ બીજી ફિલ્મ છે, અને તેની આ બંને ફિલ્મો સુપરહિટ રહી છે. આ ફિલ્મે વિશ્વભરમાં ₹1113 કરોડથી વધુનું શાનદાર કલેક્શન કરીને અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મોની યાદીમાં પોતાનું સ્થાન લઈ લીધું છે. આ સફળતા સાથે તે રણવીર સિંહની કારકિર્દીની અત્યાર સુધીની સૌથી મોટી અને યાદગાર ફિલ્મ સાબિત થઈ ગઈ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp