જમ્મુ અને કાશ્મીરમાં સક્રિય આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT)નો સ્થાપક હાફિઝ સઈદ અને તેના નજીકનાએ ફરી એકવાર ભારતના ઓપરેશન સિંદૂર અંગે ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં, પહેલગામ હુમલાના માસ્ટરમાઇન્ડ અને લશ્કર-એ-તૈયબાના ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ કસુરીએ દાવો કર્યો છે કે સઈદે ભારતના ઓપરેશન સિંદૂરને ચાલુ રાખવાને ખાલી ધમકી ગણાવી અને કહ્યું છે કે ભારત આગામી 50 વર્ષ સુધી લશ્કર-એ-તૈયબા પર હુમલો કરવાની હિંમત કરશે નહીં.
સૈફુલ્લાહ કસુરીએ કહ્યું કે, તે દોઢ મહિના પહેલા એક મેળાવડામાં ગયો હતો, જ્યાં હાફિઝ સઈદ પણ હાજર હતો. તે બેઠકમાં, એક પાકિસ્તાનીએ પ્રશ્ન કર્યો હતો કે ભારતની સતત ધમકીઓને કેવી રીતે જોવું જોઈએ. કથિત રીતે હાફિઝે જવાબ આપ્યો હતો કે ભારતની ધમકીઓથી ડરવાની કોઈ જરૂર નથી અને અલ્લાહે 6 મહિના પહેલા ભારતને એટલું હચમચાવી નાખ્યું હતું કે તે આગામી 50 વર્ષ સુધી હુમલો કરવાની હિંમત કરશે નહીં.
પાકિસ્તાન લાંબા સમયથી દાવો કરી રહ્યું છે કે હાફિઝ સઈદ જેલમાં છે, પરંતુ સૈફુલ્લાહ કસૂરીના વીડિયો ખુલાસાઓએ આ વાતને નકારી કાઢી છે. વીડિયોમાં લશ્કરનો આતંકી ખુલ્લેઆમ બેઠકો કરી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રએ હાફિઝ સઈદને આતંકવાદી જાહેર કર્યો છે.
કસૂરીએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર પછી, લશ્કરના કમાન્ડરો ભવિષ્યની રણનીતિ બનાવવા માટે પાકિસ્તાનમાં મળ્યા હતા. ભારતે ઓપરેશન સિંદૂરમાં ફક્ત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને ગંભીર ભૂલ કરી છે. કસૂરીએ વિશ્વને ચેતવણી આપી હતી કે તે પીછેહઠ કરશે નહીં અને કાશ્મીરના લોકોના સમર્થનથી પોતાનો એજન્ડા ચાલુ રાખશે.
કસૂરીએ એવો પણ દાવો કર્યો હતો કે ભારતે કાશ્મીર, અમૃતસર, હોશિયારપુર, ગુરદાસપુર, જૂનાગઢ, મુનાવદર, હૈદરાબાદ, ડેક્કન અને બંગાળ જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારો પર કબજો કરી લીધો છે, જે પાકિસ્તાનનો ભાગ છે. તેણે લવારો કર્યો કે આ પ્રદેશ પાકિસ્તાન પાસેથી છીનવી લેવામાં આવ્યા છે અને લશ્કર આ મામલો સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જશે.
વીડિયોમાં, સૈફુલ્લાહ કસુરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતે ગંભીર ભૂલ કરી છે અને વિશ્વને સંદેશ આપ્યો છે કે લશ્કર-એ-તૈયબા પીછેહઠ કરશે નહીં. તેણે સ્પષ્ટ કર્યું કે, જે પણ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે અથવા જેમને આતંકવાદી જાહેર કરાયા, તેમને એ ચેતવણી છે કે લશ્કર તેના એજન્ડાને આગળ ધપાવશે.