મહારાષ્ટ્રના મહાયુતિ ગઠબંધનમાં બબાલ! ચૂંટણીના આખરી સમયમાં આ નેતા થયા નારાજ? જાણો કારણ
મહારાષ્ટ્રમાં આવનારી 29 મહાનગરપાલિકાઓની ચૂંટણીના પગલે રાજકારણની સક્રિયતા એની ચરમ સીમા પર છે. તેમાંય મહારાષ્ટ્રમાં ચૂંટણી હોય અને વિવાદ ન હોય તેવું તો શક્ય જ નથી રહ્યું. સ્થાનિક સ્વરાજમાં કરારી હાર બાદ પોતાની પકડ બનાવી રાખવા માટે ઠાકરે બંધુઓ અને પાવર પરિવાર લાંબા મતભેદો બાદ ફરી એક સાથે આવ્યા છે. ત્યારે હવે મળતી માહિતી મુજબ મહાયુતિ ગઠબંધનમાં બબાલ થઈ હોવાની ખબર સામે આવી છે. કેન્દ્રીય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના વડા રામદાસ આઠવલે મહાયુતિ ગઠબંધનથી BMCની ચૂંટણી પહેલા નારાજ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.
આ બાબતે મંત્રી રામદાસ આઠવલે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે, મારી પાર્ટી જ્યારથી મહાયુતિની સ્થાપના થઈ ત્યારથી જ નિષ્ઠા અને મજબુતીથી ગઠબંધન સાથે ઉભી રહી છે. પરંતું અમારી સાથે અન્યાય કરવામાં આવ્યો છે. BMC ચૂંટણીમાં બેઠકોની વહેંચણી અંગે જે નિર્ણય કરાયો તેનાથી અમારી પાર્ટીના કાર્યકરો નારાજ થયા છે. મારી પાર્ટીને માત્ર 7 બેઠકો આપવામાં આવી તે કોઈ પણ પ્રકારે યોગ્ય વાત નથી. આ સાથે તેમણે મહાયુતિ ગઠબંધનમાં ભંગાણના સંકેતો આપતા 38 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, મુંબઈમાં બહુજન આઘાડી કરતા પણ અમારી પાર્ટીની તાકાત વધારે છે. પરંતુ અમારી પાર્ટીની અવગણના કરવામાં આવી છે. પક્ષ અને કાર્યકરોના ગૌરવ સાથે કોઈ બાંધછોડ કરી શકાય નહીં સાથે જ તેમના પક્ષના અસ્તિત્વને લઈને પણ વાત કરી હતી. અને કહ્યું કે, જો પક્ષનું સન્માન નહીં જળવાય તો પાર્ટી જોખમમાં આવી જશે. તેથી ‘ફ્રેન્ડલી ફાઈટ’ હેઠળ તેમની પાર્ટી 38થી 39 બેઠકો પર ઉમેદવારો ઉતારશે. અને બાકીની બેઠકો પર તેઓ એકનાથ સિંદેની શિવસેનાને અને ભાજપને સમર્થન આપશે. ઉલ્લેખનીય છે કે, મહાયુતિમાં અંદરો અંદર ખટર પટર થતા મહાયુતિના અન્ય એક સાથી પક્ષ અને નાયબ મુખ્યપ્રધાન અજિત પવારની NCPએ પણ ચૂંટણીમાં અલગ વલણ અપનાવ્યું છે. આગામી 15 જાન્યુઆરીએ મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાનાર છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp