Swiggyના IPOમાં આ તારીખથી પૈસાઓનું રોકાણ કરી શકાશે, જાણો આ IPO વિશે
Zomatoના IPOએ રોકાણકારોની બમ્પર કમાણી કરાવી છે. ત્યારબાદ, રોકાણકારો અન્ય ફૂડ ડિલિવરી એપ Swiggyના IPOની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જો કે હવે આ રાહનો અંત આવવાનો છે. વિવિધ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Swiggyનો IPO આગામી મહિને 6 થી 8 નવેમ્બર, 2024 વચ્ચે આવવાની આશા છે. તો, એન્કર રોકાણકારો માટે વિન્ડો 5 નવેમ્બર, 2024ના રોજ ખુલે તેવી શક્યતા છે. આ ઓફરમાં આશરે રૂ. 3,750 કરોડના નવા શેર અને લગભગ 18.53 કરોડ શેરના ઓફર ફોર સેલ (OFS) સામેલ હશે. એકંદરે, કુલ ઇશ્યૂની સાઇઝ રૂ. 11,700 કરોડ રહેવાની ધારણા છે.
મીડિયા અહેવાલો અનુસાર, નવા ઇશ્યૂ ઘટકને વધારીને રૂ. 4,500 કરોડ થવાની આશા છે. કંપની હવે તેના અગાઉના 15 બિલિયન ડૉલરના લક્ષ્યની સરખામણીએ 11.3 બિલિયન ડૉલરના મૂલ્યાંકનનું લક્ષ્યાંક ધરાવે છે. કંપનીના મતે તે ખરાબ IPO ઇચ્છતી નથી. વિશેષ રૂપે, Swiggyની હરીફ ઝોમેટો, જેણે તાજેતરમાં તેના ચોખ્ખા નફામાં 389%ના ઉછાળાની માહિતી આપી હતી. Zomato 8,500 કરોડ એકત્ર કરવા ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ (QIP) લાવી રહ્યું છે. 30 સપ્ટેમ્બર, 2024ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં Zomatoએ રૂ. 176 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો.
ગયા વર્ષે એટલે કે માર્ચ 2023 અને 2024 વચ્ચે, Swiggyની તેની કામગીરીથી થતી આવકમાં 34% વૃદ્ધિ જોવા મળી હતી, જે FY23માં રૂ. 8,714.45 કરોડથી વધીને FY24માં રૂ. 11,634.35 કરોડ થઇ હતી. કંપનીની ખોટ પણ FY23માં રૂ. 4,179.31 કરોડથી ઘટીને FY24માં રૂ. 2,350.24 કરોડ થઇ હતી. Swiggyની હરીફ કંપની ઝોમેટો જુલાઇ 2021માં રૂ. 9,375 કરોડની ઓફર સાઇઝ સાથે સાર્વજનિકમાં થઇ હતી. હાલમાં, કંપનીના શેર રૂ. 250.95 પર ટ્રેડ થઇ રહ્યા છે, જે ગયા વર્ષની સરખામણીમાં 138.48%નો ભારે વધારો છે. Swiggyમાં હાલના કેટલાક મુખ્ય રોકાણકારોમાં સોફ્ટબેંકનો સમાવેશ થાય છે, જેની પાસે 8% હિસ્સો છે અને એક્સેલ, જેની કંપનીમાં 6% હિસ્સો છે. નોંધનીય છે કે Swiggyના IPOને માર્કેટ રેગ્યૂલેટર SEBI દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp