રેલ્વેમાં હવે ફૂડના ભાવમાં લુંટફાટ નહિ થઇ શકે! રેલવેના રસોડામાં પણ ગરબડ નહિ થાય, કારણકે... રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવની જાહેરાત!
IRCTC, Ashwini Vaishnav: રેલ્વેમાં મુસાફરી કરનારા મુસાફરો વારંવાર સ્વચ્છતા અને ફૂડ ક્વોલિટી બાબતે ફરિયાદ કરતા રહે છે. વળી વિવિધ ખાદ્યપદાર્થોના રેટમાં પણ ઘણી વાર વિસંગતતા જોવા મળી હોવાના દાખલા છે. છેલ્લા વર્ષોમાં રેલવેની સુવિધાઓમાં ખાસ્સો બદલાવ આવ્યો છે, તેમ છતાં અમુક ફરિયાદો ઉઠતી રહે છે. આ બધા વચ્ચે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે ગઈકાલે (12 માર્ચે) લોકસભામાં મહત્વની જાહેરાત કરી છે.
ગૃહમાં એક પ્રશ્નના લેખિત જવાબમાં રેલવે મંત્રીએ કહ્યું હતું કે, 'મુસાફરોની માહિતી માટે IRCTC (ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન) ની વેબસાઇટ પર તમામ ખાદ્ય ચીજોની યાદી અને કિંમતો આપવામાં આવી છે.' બધી વિગતો સાથે પ્રિન્ટેડ મેનુ વેઇટર્સને પૂરા પાડવામાં આવે છે અને મુસાફરોના માંગવા પર આપવામાં આવે છે.
રેલવે મંત્રીએ કહ્યું, 'રસોડાઓમાં પણ રેટલિસ્ટ પ્રદર્શિત કરવામાં આવે છે. આ ઉપરાંત ભારતીય રેલવેમાં કેટરિંગ સેવાઓના મેનુ અને ચાર્જ વિશે જાગૃતિ આણવા માટે મુસાફરોને મેનુ અને ચાર્જની લિંક સાથેના SMS મોકલવાનું શરૂ કરવામાં આવ્યું છે. ટ્રેનોમાં મેનુ કાર્ડ, ખાદ્ય ભાવ યાદીઓ અને સ્વચ્છતા અને ખોરાકની ગુણવત્તા સુધારવા માટે લેવામાં આવેલા પગલાં અંગેના પ્રશ્નના જવાબમાં વૈષ્ણવે જણાવ્યું હતું કે નક્કી કરાયેલા 'બેઝ કિચન'માં સીસીટીવી કેમેરા લગાવવા જેવા પગલાં લેવામાં આવ્યા છે.
મંત્રીએ જવાબમાં કહ્યું હતું કે જમવાનું બનાવવા માટે તેલ, લોટ, ચોખા, કઠોળ, મસાલા, ચીઝ, ડેરી ઉત્પાદનો તેમજ ખાદ્ય સલામતી અને સ્વચ્છતાની પસંદગી અને ઉપયોગ પર દેખરેખ રાખવા માટે 'બેઝ કિચન'માં ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર્સ નીમવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ટ્રેનોમાં IRCTC સુપરવાઇઝર પણ તૈનાત કરવામાં આવ્યા છે અને ફૂડ પેકેટ્સ પર 'QR કોડ' ગોઠવવામાં આવ્યો છે જેથી રસોડાના નામ, પેકેજિંગની તારીખ વગેરે જેવી માહિતી પ્રદર્શિત થાય.
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે બેઝ કિચન અને કિચનમાં નિયમિત સફાઈ અને પેસ્ટ કંટ્રોલ તેમજ દરેક કેટરિંગ યુનિટના નિયુક્ત ફૂડ સેફ્ટી અધિકારીઓ પાસેથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) નું પ્રમાણપત્ર ફરજિયાત બનાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ટ્રેનોમાં ખોરાકની ગુણવત્તા સારી રહે તે સુનિશ્ચિત કરવા માટે નિરીક્ષણ અને દેખરેખ પદ્ધતિના ભાગ રૂપે નિયમિતપણે ખાદ્યના નમૂના લેવામાં આવી રહ્યા છે.
રેલ મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, 'રસોડામાં અને બેઝ કિચનમાં સ્વચ્છતા અને ખોરાકની ગુણવત્તા ચકાસવા માટે બાહ્ય એજન્સી દ્વારા ઓડિટ કરવામાં આવે છે.' ગ્રાહક સંતુષ્ટિ સર્વેક્ષણો પણ હાથ ધરવામાં આવે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp