પુતિન અને ટ્રમ્પ વચ્ચે પાછી બબાલ? યુદ્ધવિરામ બાબતે રશિયાને શરતો મંજૂર નથી? ટ્રમ્પે કહ્યું, “હું ધારું તો રશિયાને ઠેકાણે પાડી દઉં!
Donald Trump & Putin on ceasefire: જગત આખાને હવે એ વાતની જાણ થઇ ગઈ છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ત્રમ્પની નજર યુક્રેનની ખનીજ સંપત્તિ પર છે. આથી એમણે આ ખજાનો અમેરિકાને વાપરવા મળે એ શરતે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ વિરામ કરાવવાનું બીડું ઉપાડ્યું છે. યુક્રેન તો બાપડું વખાનું માર્યું પોતાનો 20% જેટલો પ્રદેશ ગુમાવ્યા પછી પણ યુદ્ધવિરામ માટે રાજી થઇ ગયું છે. પરંતુ શરૂઆતમાં ટ્રમ્પ જેની સાથે મૈત્રીની વાત કરતા હતા એ પુતિન યુદ્ધવિરામ માટે માની નથી રહ્યા. પરિણામે ટ્રમ્પ અને પુતિન વચ્ચે ફરી એક વાર રાજકીય ગરમી ચરમસીમાએ છે.
અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ આ અઠવાડિયે મોસ્કો જવા રવાના થશે અને આ મુદ્દે રશિયન અધિકારીઓ સાથે વાત કરશે. આ સિવાય અમેરિકન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઈક વોલ્ટ્ઝે પણ પોતાના રશિયન સમકક્ષ સાથે વાત કરી છે. ટ્રમ્પે કહ્યું છે કે તેમના વિશેષ દૂત રશિયા જઈ રહ્યા છે જ્યાં 30 દિવસના યુદ્ધવિરામ પર ચર્ચા કરવામાં આવશે. આ પ્રસ્તાવ અમેરિકાનો છે અને યુક્રેન તેને સ્વીકારી ચૂક્યું છે. જો કે રશિયાએ હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટ સંકેત આપ્યા નથી. ટ્રમ્પે આ વાતચીતને યુદ્ધનો અંત લાવવાની દિશામાં એક ઉકેલ ગણાવ્યો અને આશા વ્યક્ત કરી કે રશિયા તેનો સ્વીકાર કરશે.
ટ્રમ્પે કહ્યું કે જો રશિયા આ પ્રસ્તાવને સ્વીકારે નહીં તો અમેરિકા આર્થિક પ્રતિબંધો સહિત અનેક કડક પગલાં લઈ શકે છે. તેમણે કહ્યું કે હું રશિયાને આર્થિક રીતે બરબાદ કરવાના ઘણા રસ્તા જાણું છું પરંતુ હું તેમ કરવા માંગતો નથી. મારો હેતુ શાંતિ સ્થાપવાનો છે. ટ્રમ્પે એ પણ સ્વીકાર્યું કે રશિયાની સંમતિ વિના આ પ્રસ્તાવ સફળ થઈ શકે નહીં.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ આ મુદ્દે અમેરિકાના પ્રયાસોને સકારાત્મક ગણાવ્યા છે. તેમણે કહ્યું કે આ 30 દિવસીય યુદ્ધવિરામ શાંતિની દિશામાં પ્રથમ પગલું હોઈ શકે છે. જો કે, તેમણે રશિયા પર પણ અવિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કે જ્યાં સુધી નક્કર પગલાં લેવામાં ન આવે ત્યાં સુધી તેના પર સંપૂર્ણ વિશ્વાસ કરી શકાય નહીં. અમેરિકાએ યુક્રેનને સૈન્ય સહાય પુનઃસ્થાપિત કરી દીધી છે. ઝેલેન્સકી જાણે છે કે હવે મામલો પુતિનના હાથમાં છે, અને પુતિન પોતાની શરતે જ યુદ્ધવિરામ માટે રાજી થશે. પણ આ આખી પરિસ્થિતિમાં યુક્રેનના રાષ્ટ્રપતિ જાતે કોઈ નિર્ણય લઇ શકે એવી પરિસ્થિતિમાં નથી.
હાલમાં રશિયાએ આ યુદ્ધવિરામને લઈને કોઈ સ્પષ્ટ સંમતિ આપી નથી. ક્રેમલિનનું કહેવું છે કે તેને હજુ સુધી અમેરિકા તરફથી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. પુતિન પહેલેથી જ કહી ચૂક્યા છે કે રશિયા કોઈપણ શાંતિ કરાર ત્યારે જ સ્વીકારશે જો તેના વ્યૂહાત્મક હિતોની ખાતરી આપવામાં આવશે. હવે સવાલ એ ઊભો થાય છે કે યુદ્ધવિરામ માટેની ટ્રમ્પની કોશિશો રશિયાને મંત્રણાના મેજ પર લાવી શકશે કે પછી આખી વાત એક મોટો ફિયાસ્કો સાબિત થશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp