ટ્રેડ વૉર વચ્ચે ચીને દેખાડ્યો પોતાનો દમ..., અમેરિકા માટે ઊભી કરી દીધી વધુ એક સમસ્યા
આ દિવસોમાં, ડોનાલ્ડ ટ્રમ્પની નવી વેપાર નીતિને લઈને અમેરિકા અને ચીન વચ્ચે વિવાદ વધી રહ્યો છે. એક-બીજા પર સતત ટેરિફ વધારી રહેલા આ દેશો હવે AIના મુદ્દા પર પણ આમને-સામને છે. આ કિસ્સામાં એવા સમાચાર મળી રહ્યા છે કે ચીનની અગ્રણી ટેક કંપની Huawei ટેક્નોલોજીસે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોન્ચ કર્યું છે જે અમેરિકાની ચિપ મેન્યૂફેક્ચરિંગ કંપની Nvidiaને સીધી ટક્કર આપી શકે છે. આ સમાચારે ફરી એકવાર Nvidia અને અમેરિકાને ચિંતામાં મૂકી દીધા છે. તમને યાદ જ હશે કે તાજેતરમાં ડીપસીકને કારણે Nvidiaના શેર કેવી રીતે ક્રેશ થઇ ગયા હતા.
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, આ સિસ્ટમનું નામ ક્લાઉડમેટ્રિક્સ 384 સુપરનોડ છે, જેને Huaweiએ ન્યૂક્લિયર લેવલ પ્રોડક્ટ બતાવી છે. અહેવાલો અનુસાર, Huaweiનું સુપરનોડ Nvidiaના લોકપ્રિય NVL72 સિસ્ટમની બરાબરી કરે છે અને AI ડેટા સેન્ટરોમાં આવતી કમ્પ્યુટિંગ પાવર સમસ્યાઓને મોટા પ્રમાણમાં હલ કરવામાં સક્ષમ છે. ખાસ વાત એ છે કે, Huaweiની સિસ્ટમ 300 પેટાફ્લોપ્સનો કમ્પ્યુટિંગ પાવર પ્રદાન કરે છે, જ્યારે Nvidiaની NVL72 180 પેટાફ્લોપ્સ સુધી મર્યાદિત છે.
હવે વાત કરીએ તો Nvidia NVL72 એક ખૂબ જ શક્તિશાળી GPU સિસ્ટમ છે, જેમાં 72 GPU એકસાથે કામ કરે છે, જેના કારણે તે ટ્રિલિયન-પેરામીટર વાળા લાર્જ લેંગ્વેજ મોડેલ્સ (LLMs)ને રીઅલ ટાઇમમાં પ્રોસેસ કરી શકે છે. Huaweiએ તેને પડકાર આપ્યો છે અને તે પણ તેની ઘરેલૂ ચિપ્સ સાથે.
Huaweiનો નવો સુપરનોડ હાલમાં અનહુઇ પ્રાંતના વૂહુ શહેરમાં કંપનીના ડેટા સેન્ટરમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. તેમાં હાઇ-એન્ડ CPU, નેટવર્ક બેન્ડવિડ્થ, સ્ટોરેજ અને મેમરી જેવી બધી જરૂરી વસ્તુઓ છે, જે AI મોડેલ્સને ઝડપથી ટ્રેન અને રન કરવામાં મદદ કરે છે. આ ટેક્નોલોજીકલ છલાંગ માત્ર એક પ્રોડક્ટ લોન્ચ નથી, પરંતુ સ્વદેશી ટેક્નોલોજી પર Huaweiના આત્મનિર્ભરતા તરફ એક મોટું પગલું છે. ખાસ કરીને એવા સમયે જ્યારે અમેરિકા અને ચીન વચ્ચે ટેક વોર ચરમસીમાએ છે.
Huawei હવે ચીની AI સ્ટાર્ટઅપ સિલિકોનફ્લો સાથે મળીને આ સિસ્ટમને DeepSeek-R1 જેવા અદ્યતન AI મોડેલ્સમાં આ સિસ્ટમનો ઉપયોગ કરી રહી છે, જે જાન્યુઆરીમાં લોન્ચ થયા પછીથી વૈશ્વિક સ્તરે ચર્ચામાં છે. અહેવાલો અનુસાર, આ સુપરનોડે 1,920 ટોકન પ્રતિ સેકન્ડની ઝડપ સાથે ઉત્તમ પ્રદર્શન પણ આપ્યું છે.
Huawei એકલી નથી, અન્ય ચીની કંપનીઓ પણ AIમાં ભારે રોકાણ કરી રહી છે. અલીબાબાએ તાજેતરમાં આગામી 3 વર્ષમાં AI અને કમ્પ્યુટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં 380 બિલિયન યુઆન (લગભગ 52 બિલિયન ડોલર) રોકાણ કરવાની જાહેરાત કરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp