નીતિશકુમાર બિહારના મુખ્યમંત્રી તરીકે ૧૦મી વાર શપથ લઈ નવો રેકોર્ડ સ્થાપશે, જ્યારે ભાજપ સંભાળશે આ ખુરશી, જાણો
બિહાર વિધાનસભા ચુંટણીમાં એનડીએના ભવ્ય વિજય બાદ નીતિશ કુમાર ફરી એકવાર જેડીયુના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા છે. બિહારના મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમાર 10મી વખત કાર્યભાર સંભાળશે. જ્યારે નાયબ મુખ્યમંત્રી તરીકે પણ ભાજપ નેતા સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાના નામને ફરી એકવાર મંજૂરી આપી દેવાઈ છે. તેથી હવે નીતિશ કુમાર બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને મળીને રાજીનામું સોંપી વિધાનસભાનો ભંગ કરાશે. જો કે હજુ NDAનો મેરેથોન બેઠકોનો દોર ચાલુ છે અને મંત્રીમંડળની વહેંચણીની ચર્ચા ચાલી રહી છે.
ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં સમ્રાટ ચૌધરીને પક્ષના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે, તો વિજય સિંહાની નાયબ નેતા તરીકે પસંદગી કરાઈ છે. તેથી બિહારમાં ફરી બંને ભાજપ નેતા નાયબ મુખ્યમંત્રી તરીકેની ભૂમિકામાં હશે. સમ્રાટ ચૌધરીએ વર્ષ 2000માં આરજેડીમાં જોડાઈને રાજકારણમાં સત્તાવાર પ્રવેશ કર્યો હતો. ત્યાર પછી 2014માં તેઓ જેડીયુમાં જોડાઈને મંત્રી બન્યા. 2017માં તેઓ ભાજપમાં જોડાયા અને 2024માં નાયબ મુખ્યમંત્રી તરીકે પસંદ થયા.
બિહાર વિધાનસભાની 243 બેઠક પરની ચૂંટણીમાં જેડીયુએ 85 બેઠક પર જીત હાંસલ કરી હતી. એનડીએની કુલ 202 બેઠક પર જીત થઈ છે, જે બહુમતી માટે પૂરતી છે. બિહારમાં બનનાર નવું મંત્રીમંડળ 20 નવેમ્બરે સવારે 11:30 વાગ્યે શપથ લેશે. અને આ મુદ્દે NDAનો મેરેથોન બેઠકોનો દોર ચાલુ છે. બિહારમાં નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી પણ હાજરી આપે તેવું મનાઈ રહ્યું છે. આ સાથે જ નીતિશ કુમાર બિહારના સૌથી લાંબો સમય સુધી રહેનારા મુખ્યમંત્રી બની જશે. આ વખતે 10મી વખત તેમનો કાર્યકાળ શરૂ થઈ રહ્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp