ફ્લાઇટ અને હૉટલો બાદ આ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ-મંદિર પ્રશાસનમાં ખળભળાટ
Tirupati Isckon Temple Bomb Threat: આજકાલ દેશ બોમ્બ વિસ્ફોટની ધમકીઓથી ઝઝૂમી રહ્યો છે. દિલ્હીની શાળાઓ અને ફ્લાઇટ બાદ આંધ્રપ્રદેશના તિરુપતિમાં હૉટલને બોમ્બની ધમકી મળી હતી અને હવે 3 દિવસ બાદ તિરુપતિના ઇસ્કોન મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી મળતા જ પોલીસ અને મંદિર પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો. ઇમરજન્સીમાં ફાયર બ્રિગેડ, પોલીસની ટીમો, બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા મંદિરના દરેક ખૂણે શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ મંદિરના પરિસરમાંથી કોઇ વિસ્ફોટક મળી આવ્યું નહોતું. હવે મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. દરેક મુલાકાતીઓની સખત તપાસ કરવામાં આવી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઇસ્કોન મંદિરના સ્ટાફને 27 ઓક્ટોબરે એક ઇ-મેલ મળ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાનની ISI સાથે જોડાયેલા આતંકવાદીઓ મંદિરને ઉડાવી દેશે. ધમકીભર્યો ઇ-મેલ મળ્યા બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. મંદિરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ મંદિર પરિસરમાંથી કોઇ વિસ્ફોટક કે અન્ય કોઇ વાંધાજનક વસ્તુ મળી નહોતી. ત્યારબાદ પોલીસે ધમકીને નકલી ગણાવી. હવે જે ઇ-મેલ આઇડી પરથી ધમકીભર્યો ઇ-મેલ મોકલવામાં આવ્યો હતો તેને ટ્રેસ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
તમને જણાવી દઇએ કે આ અગાઉ 26 ઓક્ટોબરે તિરુપતિની 2 મોટી હૉટલને પણ બોમ્બની ધમકી મળી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડ સાથે બંને હૉટલોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ તપાસમાં કંઇ ન મળતા પોલીસે ધમકીને નકલી ગણાવી હતી. આ ધમકીમાં કથિત ડ્રગ તસ્કરીના નેટવર્ક લીડર જાફર સાદિકનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેની તમિલનાડુમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ, તિરુપતિની અન્ય 3 હૉટલોને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેને સુરક્ષા દળોએ સંપૂર્ણ શોધખોળ બાદ નકલી ધમકી જાહેર કરી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp