પાછળથી એવું ન કહેતા કે વોર્નિંગ ન આપી, તમારા કારણે...', બાંગ્લાદેશના આર્મી ચીફે નેતાઓને ચેતવણી આપી
બાંગ્લાદેશમાં ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વચગાળાની સરકારના સલાહકાર નાહિદ ઈસ્લામના રાજીનામા બાદ હવે બાંગ્લાદેશના આર્મી ચીફે તમામ નેતાઓને ચેતવણી આપી છે. આર્મી ચીફ વકાર-ઉજ્જમાને નેતાઓને પરસ્પર ન બાખડવાની ચેતવણી આપતા કહ્યું કે આનાથી દેશની સાર્વભૌમત્વ જોખમાઈ શકે છે. જો લોકો પોતાના મતભેદોને ભૂલી શકતા નથી અથવા એકબીજા પર દોષારોપણ કરવાનું બંધ કરી શકતા નથી, તો દેશની સંપ્રભુતા દાવ પર લાગી શકે છે.
તેમણે મંગળવારે પીલખાના હત્યાકાંડની વર્ષગાંઠ પર આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે હું તમને ચેતવણી આપું છું, પાછળથી એમ ન કહેતા કે વોર્નિંગ ન આપી. જો તમે તમારા મતભેદો ભૂલીને સાથે મળીને કામ નહીં કરો અને તેના બદલે એકબીજા પર દોષારોપણ કરશો તો દેશની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વ જોખમમાં આવશે.
આર્મી ચીફે કહ્યું કે, દેશમાં કાયદો અને વ્યવસ્થા બગડવાના આ કેટલાક કારણો છે. પહેલું કારણ એ છે કે આપણે આપણી વચ્ચે લડાઈમાં વ્યસ્ત છીએ. જો તમે તમારા મતભેદોને ભૂલશો નહીં, તો તે સમસ્યાઓનું કારણ બનશે. દેશની સાર્વભૌમત્વ જોખમમાં આવશે. હું ચેતવણી આપું છું. તમામ નેતાઓ એકબીજા પર આક્ષેપબાજીમાં વ્યસ્ત છે જેના કારણે તોફાની તત્વોને વાતાવરણ બગાડવામાં ફાયદો થઈ રહ્યો છે. તેઓ આ અસ્તવ્યસ્ત પરિસ્થિતિમાં સરળતાથી ટકી રહ્યા છે.
આર્મી ચીફે કહ્યું કે તેઓ માત્ર નેતાઓને ચેતવણી આપી રહ્યા છે. આની પાછળ તેમનો કોઈ અંગત એજન્ડા કે મહત્ત્વકાંક્ષા નથી, પરંતુ તેઓ આ કામ રાષ્ટ્રીય હિતમાં કરી રહ્યા છે. હું માત્ર દેશમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માંગુ છું. જ્યાં સુધી દેશમાં ચૂંટાયેલી સરકાર સત્તામાં નહીં આવે ત્યાં સુધી સેના બાંગ્લાદેશની કાયદો અને વ્યવસ્થાનું ધ્યાન રાખશે. બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી હાલમાં સેના પર છે અને જ્યાં સુધી ચૂંટાયેલી સરકાર નહીં બને ત્યાં સુધી આ ચાલુ રહેશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp