સીતા જયંતી: કેવી રીતે થયો સીતા માતાનો જન્મ; વાંચો પૌરાણિક કથા
મહાગ્રંથ 'રામાયણ'ના પ્રસંગોમાં પ્રભુ શ્રીરામના પત્ની માતા સીતાની અભૂતપૂર્વ વાતો આલેખવામાં આવી છે. માનવામાં આવે છે કે સીતા માતા મહા મહિનામાં કૃષ્ણ પક્ષની અષ્ટમીના દિવસે પ્રગટ થયા હતા. આ વર્ષે જાનકી જયંતી ૨૪ ફેબ્રુઆરી એટલે કે આજના દિવસે મનાવવામાં આવે છે. આ દિવસને જાનકી અષ્ટમી અથવા સીતા જયંતી પણ કહેવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર પુષ્ય નક્ષત્રમાં મિથિલાના મહારાજા જનકને જમીનમાંથી સીતા માતા પ્રાપ્ત થયા હતા. ધાર્મિક ગ્રંથોમાં આ દિવસને સીતા જયંતી તરીકે ઓળખવામાં આવે છે.
એવી માન્યતા છે કે જે ભક્ત આ દિવસે વ્રત રાખે છે અને માતા સીતા અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની ભક્તિભાવથી પૂજા કરે છે, તેને 16 મહાન દાનનું ફળ મળે છે. માતા સીતા અને શ્રીરામને આદર્શ પતિ-પત્ની માનવામાં આવે છે તેથી પરિણીત મહિલા અને યુવતીઓ માટે આ દિવસ મહત્વનો છે. માતા સીતા ધનની દેવી લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. તેથી આ દિવસે પૂજા-અર્ચના અને નિયમ પ્રમાણે કથા કરવાથી દેવી લક્ષ્મીની અપાર કૃપા ભક્તો પર રહે છે.
પૌરાણિક કથાઓ અનુસાર, રાજા જનક મિથિલા રાજ્યના પરોપકારી શાસક હતા. એવું કહેવાય છે કે બાળક ન હોવું તેમની એકમાત્ર સમસ્યા હતી. તેઓ સતત દેવતાઓને પ્રાર્થના કરતા અને સંતાન પ્રાપ્તિ માટે વિવિધ પ્રકારની પૂજા કરતા. શાસ્ત્રોની કથા અનુસાર, એકવાર રાજા જનક મિથિલામાં ભયંકર દુષ્કાળથી ખૂબ જ પરેશાન અને નિરાશ થઈ ગયા હતા, ત્યારે આ સંકટને દૂર કરવા માટે ઋષિઓએ રાજા જનકને પૃથ્વી પર યજ્ઞ કરવા અને હળ ચલાવવાનું સૂચન કર્યું. ઋષિમુનિઓની આજ્ઞાને અનુસરીને રાજા જનકે યજ્ઞ કર્યો અને જમીન ખેડવાની શરૂઆત કરી. આ દરમિયાન જમીનમાંથી સોના જેવા રંગની એક સુંદર કન્યા પ્રગટ થઈ. આ જોઈને રાજા જનક ખૂબ જ પ્રસન્ન અને આશ્ચર્યચકિત થયા. આ કન્યાનું નામ સીતા રાખ્યું કારણકે મૈથિલી ભાષામાં હળને સીતા કહેવામાં આવે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp