કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે વાત કરતાં જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરના વિપક્ષના નેતા અને સ્થાનિક ધારાસભ્ય સુનીલ કુમાર શર્મા તરફથી વાદળ ફાટવાનો સંદેશ મળ્યા બાદ તેમણે કિશ્તવાડના ડેપ્યુટી કમિશનર પંકજ કુમાર શર્મા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ચશોતી વિસ્તારમાં વાદળ ફાટવાના કારણે ભારે જાનહાનિ થઈ શકે છે. તેથી વહીવટીતંત્ર તાત્કાલિક કાર્યવાહીમાં લાગી ગયું છે અને બચાવ ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને જરૂરી બચાવ અને તબીબી વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. અને શક્ય તેટલી તમામ સહાય પૂરી પાડવામાં આવશે.
તે જ સમયે, સુનીલ શર્માએ કહ્યું છે કે, 'કિશ્તવાડમાં ભારે નુકસાન થઈ શકે છે. અમારી પાસે હજુ સુધી કોઈ સંખ્યા કે ડેટા નથી, પરંતુ ત્યાં ભારે નુકસાન થવાની સંભાવના છે. ચાલુ યાત્રાને કારણે, આ વિસ્તારમાં ભીડ છે. હું લેફ્ટનન્ટ ગવર્નર સાથે વાત કરીશ અને બચાવ કામગીરી માટે NDRF ટીમ માંગીશ.' જ્યારે કિશ્તવાડના ડેપ્યુટી કમિશનર પંકજ શર્માએ કહ્યું હતું કે, "કિશ્તવાડના ચશોતી વિસ્તારમાં અચાનક પૂર આવ્યું છે, જે માછૈલ માતા યાત્રાનું પ્રારંભિક બિંદુ છે. બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે."
આ ઉપરાંત, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર કાર્યાલયે પણ કહ્યું કે, "કિશ્તવાડમાં વાદળ ફાટવાની ઘટનાથી હું દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના. સિવિલ, પોલીસ, સેના, NDRF અને SDRF અધિકારીઓને બચાવ અને રાહત કામગીરીને વધુ ઝડપી બનાવવા અને અસરગ્રસ્તોને શક્ય તમામ સહાય પૂરી પાડવા સૂચના આપી દીધી છે." હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે. બીજી તરફ, શ્રીનગર હવામાન કેન્દ્રે જણાવ્યું છે કે, આગામી 4-6 કલાક દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં ઘણી જગ્યાએ મધ્યમથી ભારે વરસાદ અને ગાજવીજ,વીજળી અને તીવ્ર પવન સાથે હળવો વરસાદ પડી શકે છે.
કુપવાડા, બારામુલ્લા, બાંદીપોરા, શ્રીનગર, ગાંદરબલ, બડગામ, પૂંચ, રાજૌરી, રિયાસી, ઉધમપુર, ડોડા, કિશ્તવાડના પહાડી વિસ્તારો, કાઝીગુંડ-બનિહાલ-રામબન ધરીમાં થોડા સમય માટે ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, કેટલાક સંવેદનશીલ સ્થળો અને પહાડી વિસ્તારોમાં વાદળ ફાટવાની, અચાનક પૂર,ભૂસ્ખલન, ભેડ ધસી પડવાની અને પથ્થર પડવાની શક્યતાઓ છે. લોકોને છૂટા બાંધકામો, વીજળીના થાંભલા, વાયર અને જૂના વૃક્ષોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે વુલર તળાવ, દાલ તળાવ અને અન્ય જળાશયોમાં બોટિંગ, શિકારા સવારી અને અન્ય પ્રવૃત્તિઓ પણ મુલતવી રાખવા જણાવ્યું છે.