Malegaon Blast Case: માલેગાંવ બ્લાસ્ટ કેસમાં NIA કોર્ટનો મોટો નિર્ણય, સાધ્વી પ્રજ્ઞા સહિત સાતેય આરોપી..
Malegaon Blast Case: મહારાષ્ટ્રના માલેગાંવમાં 2008માં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસમાં આજે 17 વર્ષ બાદ ચૂકાદો આવ્યો છે. આ કેસમાં NIA સ્પેશિયલ કોર્ટે સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે કહ્યું કે શંકાના આધારે કોઈને દોષિત ઠેરવી નહીં શકાય. આ કેસમાં મુખ્ય આરોપી ભોપાલના પૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર હતા. તેમની સાથે લેફ્ટિનેન્ટ કર્નલ પ્રસાદ પુરોહિતને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા.
કોર્ટમાં ચૂકાદો વાંચતા ન્યાયાધીશે કહ્યું કે તપાસમાં ઘણી ભૂલો હતી. આ સાથે, સરકારી પક્ષ એ સાબિત કરી શક્યો નથી કે, બ્લાસ્ટ બાઇકમાં થયો હતો. પંચનામું યોગ્ય રીતે કરવામાં આવ્યો નહોતું. માલેગાંવ બ્લાસ્ટમાં એક મહત્ત્વપૂર્ણ બાબત એ પણ સામે આવી છે કે બાઇકનો ચેસિસ નંબર મળી શક્યો નહોતો. કોર્ટે કહ્યું છે કે તે સ્પષ્ટ નથી કે બાઇક સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની હતી કે નહીં. તપાસ એજન્સીઓએ જે પણ દાવા કર્યા છે, તે કોર્ટમાં સાબિત થયા નથી.
29 સપ્ટેમ્બર 2008ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો, જેમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા હતા. બ્લાસ્ટને કારણે 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા. આ બ્લાસ્ટ ત્યારે થયો હતો જ્યારે લોકો નમાજ અદા કરવા જઈ રહ્યા હતા. બોમ્બ બ્લાસ્ટના એક દિવસ બાદ, 30 સપ્ટેમ્બર 2008ના રોજ, માલેગાંવના આઝાદ નગર પોલીસ સ્ટેશનમાં અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
આ કેસની શરૂઆતની તપાસ પોલીસે કરી હતી, પરંતુ ત્યારબાદ આખી તપાસ ATSના હાથમાં ગઈ. તપાસમાં સામે આવ્યું કે LML ફ્રીડમ બાઇકમાં બોમ્બ લગાવવામાં આવ્યો હતો. તેના કારણે બ્લાસ્ટ થયો, પરંતુ બાઇક પર નંબર ખોટો હતો. જ્યારે બાઇકની તપાસ શરૂ કરવામાં આવી, ત્યારે દાવો કરવામાં આવ્યો કે તે સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરના નામે હતી. બ્લાસ્ટના લગભગ એક મહિના બાદ સાધ્વી પ્રજ્ઞા અને અન્ય 2 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં કુલ 11 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે માલેગાંવ બ્લાસ્ટમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા આપવાનો આદેશ આપ્યો છે. તો ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયા આપવાનું પણ કહેવામાં આવ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp