School Building Collapse: સ્કૂલની છત પડતા 4 બાળકોના મોત, 50થી વધું વિદ્યાર્થીઓ હતા હાજર
Rajasthan School Building Collapses: રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં આજે સવારે એક મોટો અકસ્માત થયો, જ્યારે મનોહરથાના બ્લોકના પીપલોદી ગામમાં આવેલી સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાની છત તૂટી પડી, ત્યારબાદ દિવાલ પણ પડી ગઈ. આ દુ:ખદ અકસ્માતમાં અત્યાર સુધીમાં 4 બાળકોના મોત થયા છે, જ્યારે ઘણા અન્ય બાળકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. આ ઘટના બાદ વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.
શિક્ષણ મંત્રી મદન દિલાવરે અકસ્માતમાં 3 બાળકોના મોતની પુષ્ટિ કરી છે. તેમણે કલેક્ટર સાથે ફોન પર વાત કરી રાહત અને બચાવ કાર્ય ઝડપી બનાવવા અને ઇજાગ્રસ્ત બાળકોની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા કરવા સૂચના આપી છે. તો, ઝાલાવાડના SP અમિત કુમારે જણાવ્યું હતું કે શાળાની છત તૂટી પડવાથી 3-4 વિદ્યાર્થીઓના મોત થયા છે. ઘણા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે. માહિતી મળતા જ, ઝાલાવાડના કલેક્ટર અને SP અમિત કુમાર બુડાનિયા ઘટનાસ્થળે પહોંચ્યા છે.
હાલમાં, JCB મશીનોની મદદથી કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત, ઇજાગ્રસ્ત બાળકોને મનોહરથાના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CSC)માં મોકલવામાં આવ્યા છે. ત્યાં ઉપસ્થિત સ્થાનિક ગ્રામજનો પણ બચાવ કાર્યમાં વહીવટીતંત્રને મદદ કરી રહ્યા છે. અકસ્માત સમયે શાળામાં ઘણા વિદ્યાર્થીઓ હાજર હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે છત અચાનક તૂટી પડી હતી અને 50થી વધુ બાળકો અંદર ફસાયા હોવાની આશંકા છે. અકસ્માતની ભયાનકતાને જોતા મૃત્યુઆંક વધવાની આશંકા છે. પ્રશાસને ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કાર્ય તેજ કરી દીધું છે.
પ્રાથમિક માહિતી અનુસાર, શાળાના મકાનની છત જર્જરિત હાલતમાં હતી, જેના કારણે આ અકસ્માત થયો. તો સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ભારે વરસાદને કારણે દીવાલમાં ભેજને કારણે નબળાઈ આવી ગઇ હતી. આ અકસ્માત અંગે, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે X પર પોસ્ટ કરી કે, ‘ઝાલાવાડના મનોહરથાણામાં સરકારી શાળાની ઇમારત ધરાશાયી થવાથી ઘણા બાળકો અને શિક્ષકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે જાનહાનિ ઓછી થાય અને ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય.’
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp