કેટલાક લોકો ચિકન, માંસ, ઈંડા ખાઈને પોતાને એનિમલ લવર...., રખડતા કુતરાઓ અંગેનો સુપ્રીમકોર્ટનો ચુકાદો અનામત, જાણો શું કહ્યું?
દિલ્હી-એનસીઆરમાં રખડતા કૂતરાંના મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ત્રણ સભ્યોની બેન્ચે દિલ્હી સરકારને 8 અઠવાડિયામાં રખડતા કૂતરાંઓને રસ્તાઓ પરથી હટાવી સેલ્ટર હોમમાં ખસેડવાનો આદેશ આપ્યો હતો. જેને લઈને દેશભરમાંથી લોકોની અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી હતી. આ ચુકાદાથી એનિમલ એક્ટિવિસ્ટ નારાજ થયા હતા અને તેઓ તેનો વિરોધ કરી રહ્યા છે. લોકોએ કોર્ટના આ નિર્ણયની આકરાં શબ્દોમાં ટીકા કરી હતી.
આ મામલો મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈ સમક્ષ પણ મૂકવામાં આવ્યો હતો. અને આજે ત્રણ ન્યાયાધીશોની નવી બેન્ચે કેસની સુનાવણી કરી હતી.
ત્યારબાદની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર વતી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું હતું કે, આ મુદ્દાનું યોગ્ય સમાધાન થવું જોઈએ, ના કે તેના પર વિવાદ થવો જોઈએ. જેના જવાબમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે, 'કોઈ પણ વ્યક્તિ પ્રાણીઓ પ્રત્યે નફરત કરતું નથી. અને અમે પણ આ મામલાનો ઉકેલ લાવવા માંગીએ છીએ. પરંતુ કેટલાક લોકો અહીં ચિકન, માંસ, ઈંડા ખાઈને પોતાને એનિમલ લવર ગણાવી રહ્યા છે.'
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જવાબ આપતા કહ્યું હતું કે, 'કૂતરાના હુમલાથી બાળકો મરી રહ્યા છે. બાળકોના મૃત્યુના એવા વીડિયો છે જે જોઈ શકાતા નથી. નસબંધી કરવા છતાં કૂતરા કરડવાની ઘટનાઓ અટકી નથી રહી. દર વર્ષે દરરોજ 37 લાખ 10 હજાર કૂતરા કરડવાના કેસ નોંધાય છે, જે ચિંતાનો વિષય છે. અને દેશમાં આવા અનેક ચોંકાવનારા કિસ્સાઓ છે. તેથી આ મુદ્દે અમારે એટલું જ કહેવું છે કે, કોઈ વ્યક્તિ પ્રાણીઓથી નફરત કરતું નથી, પરંતુ તેનાથી સુરક્ષા જરૂરી છે. કોઈ કૂતરાઓને મારી નાખવાનું નથી કહી રહ્યું. અમે ફક્ત તેમને માનવ વસ્તીથી અલગ રાખવાનું કહી રહ્યા છીએ.'
તેમણે કોર્ટને એ પણ જણાવ્યું કે, લોકો પોતાના બાળકોને બહાર મોકલતા ડરી રહ્યા છે તેથી માત્ર કાયદા કે નિયમોથી આ સમસ્યાનો ઉકેલ નહી આવે. આ માટે કોર્ટે દરમિયાનગીરી કરવી પડશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp