'કાશ્મીર છોડો, હું અહીં..', બેલારુસના રાષ્ટ્રપતિએ પાકિસ્તાનના PMની જાહેરમાં ફજેતી કરી દીધી
Belarus President Alexander Lukashenko Slam Shahbaz Sharif: પાકિસ્તાન સમયાંતરે કાશ્મીરનો મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવીને વિશ્વની સહાનુભૂતિ મેળવવાના પ્રયાસો કરતું રહે છે, પરંતુ તેને હજુ સુધી કોઈ મોટી સફળતા મળી નથી. દરમિયાન, તાજેતરમાં પોતાના જ દેશમાં તેનો રાગ આલાપવાનો શરૂ કર્યો પરંતુ પાસુ ઉલટું પડી ગયું અને તેને પોતાના ઘરમાં જ ફજેતી થઇ ગઈ.
વાસ્તવમાં, બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કો સોમવારે (25 નવેમ્બર 2024) પાકિસ્તાનની ૩ દિવસની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ઈસ્લામાબાદમાં તેમની સાથે મુલાકાત કરી હતી. જ્યારે તેમણે આ બેઠકમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે લુકાશેન્કોએ સ્પષ્ટ સંભળાવી દીધું કે, તેઓ કોઈ રાજકીય મુદ્દા પર ચર્ચા કરવા આવ્યા નથી. હું અહીં માત્ર વેપાર અને દ્વિપક્ષીય સહયોગ વિશે વાત કરવા આવ્યો છું.
પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, મીટિંગ દરમિયાન શાહબાઝ શરીફે બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોને ખાસ મિત્ર ગણાવ્યા અને પછી તેમની સાથે કાશ્મીરનો મુદ્દો ઉઠાવી દીધો. તેઓ ઇચ્છતા હતા કે લુકાશેન્કો કાશ્મીર મુદ્દે ભારત વિરોધી નિવેદન આપે, પરંતુ તેના બદલે બેલારુસના રાષ્ટ્રપતિએ જે કર્યું તેનાથી શરીફને ઝટકો લાગ્યો. લુકાશેન્કોએ આ અંગે બોલવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, કાશ્મીર છોડો, હું અહીં માત્ર વેપાર અને દ્વિપક્ષીય સહયોગની વાત કરવા આવ્યો છું.
બેલારુસના રાષ્ટ્રપતિનો આ જવાબ સાંભળીને શરીફ અસ્વસ્થ દેખાતા હતા. બેલારુસના રાષ્ટ્રપતિના સ્પષ્ટ વલણે પાકિસ્તાનના રાજદ્વારી પ્રયાસો પર સવાલો ઉભા કરી દીધા છે અને વિશ્વની સામે પાકિસ્તાનને શરમજનક સ્થિતિમાં મૂક્યું છે. વાસ્તવમાં પાકિસ્તાનની કૂટનીતિ પર સવાલો ઉઠી રહ્યા છે કારણ કે શાહબાઝ શરીફે પ્રોટોકોલ તોડીને પોતે બેલારુસના રાષ્ટ્રપતિનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા હતા.
પાકિસ્તાની પત્રકાર આરઝૂ કાઝમીએ પોતાની યુટ્યુબ ચેનલ પર આ મુદ્દે ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું કે, દરેક મંચ પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવવો એ પાકિસ્તાનની રાજનીતિ અને કૂટનીતિનો એક ભાગ બની ગયો છે, પરંતુ લુકાશેન્કોનો જવાબ દર્શાવે છે કે તમામ દેશો આ મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કરી શકતા નથી.
કાશ્મીર પર પાકિસ્તાનની આ પહેલી ફજેતી નથી. તાજેતરમાં જ પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ પણ આ અંગે નિવેદન આપ્યું હતું, જેના કારણે ભારે હોબાળો થયો હતો. હકીકતમાં, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું કાશ્મીરના લોકો ઈમરાન ખાનની ધરપકડનો વિરોધ કરી રહ્યા છે, તો તેમણે જવાબ આપ્યો કે કાશ્મીર એક 'વિદેશી ભૂમિ' છે. આ નિવેદન બાદ પાકિસ્તાનની રાજનીતિમાં ભારે હલચલ મચી ગઈ હતી અને વિપક્ષી દળોએ તેને રાષ્ટ્રીય નીતિ વિરુદ્ધ ગણાવ્યું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp