'ગાઝામાં મૃત્યુઆંક 45,000 વટાવી ગયો', હમાસના આરોગ્ય અધિકારીઓનો દાવો
ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધની શરૂઆતથી, ગાઝામાં મૃત્યુઆંક 45,000 ને વટાવી ગયો છે. જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. હમાસના સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી છે.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 14 મહિનાથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન, હમાસ દ્વારા નિયંત્રિત સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 45 હજારથી વધુ લોકોના મોત થયા છે.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ગયા વર્ષે 7 ઓક્ટોબરે શરૂ થયું હતું. આ પહેલા હમાસે દક્ષિણ ઈઝરાયેલના જુદા જુદા ભાગો પર એક સાથે હુમલા કર્યા હતા. જેમાં 1,200 ઈઝરાયેલના લોકો માર્યા ગયા હતા. જ્યારે 250થી વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. હમાસના આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં 45,028 લોકો માર્યા ગયા છે, ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલમાં જણાવાયું છે. જ્યારે 1,06,962 લોકો ઘાયલ થયા છે.
ગાઝાના આરોગ્ય મંત્રાલયે તેની ગણતરીમાં નાગરિકો અને હમાસ લડવૈયાઓ વચ્ચે ભેદ પાડ્યો નથી. જોકે, મંત્રાલયનો દાવો છે કે મૃતકોમાં અડધાથી વધુ મહિલાઓ અને બાળકો છે.
ઇઝરાયેલી સેનાનું કહેવું છે કે તેણે 17,000 થી વધુ હમાસ લડવૈયાઓને મારી નાખ્યા છે. જોકે, તેણે આ માટે કોઈ પુરાવા આપ્યા નથી. IDF આરોપ લગાવી રહ્યું છે કે હમાસના લડવૈયાઓ નાગરિકોમાં છુપાયેલા છે અને હમાસ ઇઝરાયેલની આંતરરાષ્ટ્રીય ટીકાને આકર્ષવા માટે મૃત્યુઆંકને અતિશયોક્તિ કરી રહ્યું છે. ઈઝરાયેલનું કહેવું છે કે તે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકોની સુરક્ષા માટે પગલાં લઈ રહ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp