ગૌતમ અદાણીને વધુ એક ફટકો, આ દેશે 6,215 કરોડની ડીલ રદ કરી
Kenya cancels airport, energy deals with Adani Group: ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની મુશ્કેલી ફરી એકવાર વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. લગભગ 2 વર્ષ સુધી અમેરિકન ફર્મ હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટના આરોપોમાંથી સંઘર્ષ શરૂ થયા બાદ, હવે તેમની કંપની વિરુદ્ધ અમેરિકામાં કેસ નોંધવામાં આવ્યો છે. ત્યારબાદ તેમણે વધુ એક ઝટકો લાગ્યો છે, કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રુટોએ અદાણી ગ્રુપ સાથેની મોટી ડીલ રદ્દ કરી દીધી છે. અદાણી ગ્રુપે કેન્યા સરકારને કેન્યાના મુખ્ય એરપોર્ટનું સંચાલન સંભાળવા માટે પ્રસ્તાવ આપ્યો હતો. તેને કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ 21 નવેમ્બરે રદ કરી દીધો છે. એ સિવાય તેમણે એક મોટી એનર્જી ડીલ કેન્સલ કરવાના નિર્દેશ પણ આપ્યા છે.
અદાણી ગ્રુપ કેન્યાના ઉર્જા મંત્રાલય સાથે પણ મોટી ડીલ કરવા જઈ રહ્યું હતું, હવે તે રદ થવાની શક્યતા વધી ગઈ છે. અદાણી ગ્રુપ કેન્યામાં 736 મિલિયન ડૉલર (આશરે રૂ. 6,215 કરોડ)ની ડીલમાં પાવર ટ્રાન્સમિશન લાઈનો બનાવવા જઈ રહ્યું હતું, જેને હવે રદ કરવાની સૂચના આપવામાં આવી છે.
રોઇટર્સના સમાચાર અનુસાર, રાષ્ટ્રપતિ વિલિયમ રુટોએ કહ્યું હતું કે, 'મેં પરિવહન મંત્રાલય અને ઉર્જા અને પેટ્રોલિયમ મંત્રાલય હેઠળ કામ કરતી એજન્સીઓને કોઈપણ પ્રકારની ડીલને તાત્કાલિક રદ કરવાની સૂચના આપી છે. સહયોગી દેશો અને તપાસ એજન્સીઓ દ્વારા બહાર આવેલી નવી માહિતીને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે.
અદાણી ગ્રુપની કંપની અદાણી એનર્જી સોલ્યૂશન્સે આ વર્ષે ઓક્ટોબરમાં કેન્યા ઇલેક્ટ્રિકલ ટ્રાન્સમિશન કંપની સાથે ડીલ કરી હતી. આ ડીલ 30 વર્ષ માટે કરવામાં આવી હતી. કેન્યાની એક કોર્ટે ઓક્ટોબરમાં જ આ ડીલને સ્થગિત કરી દીધી હતી અને તપાસ માટે કહ્યું હતું.
યુએસ પ્રોસિક્યૂટરે ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી તેમજ તેમના જૂથના અન્ય અધિકારીઓ પર સૌર ઊર્જા સંબંધિત કોન્ટ્રાક્ટ માટે લાંચ આપવાનો આરોપ લગાવ્યો છે. આ લાંચ ભારત સરકારના અધિકારીઓને આપવામાં આવી હતી અને તેની કિંમત લગભગ 250 મિલિયન ડૉલર (લગભગ 2110 કરોડ રૂપિયા) છે. આ આરોપો અંગે અમેરિકન કોર્ટમાં કેસ નોંધવામાં આવ્યો છે. અદાણી ગ્રુપ પર 2020 અને 2024 વચ્ચે સોલાર એનર્જીનો મોટો કોન્ટ્રાક્ટ મેળવવા માટે આ લાંચ આપવાનો આરોપ છે. આ ડીલોના કારણે, અદાણી જૂથને 2 બિલિયન ડૉલરથી વધુનો નફો થવાની શક્યતા હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp