Political Donations: ભાજપને મળ્યું ત્રણ ગણું ડૉનેશન, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીને કેટલું ફંડિંગ મળ્યું? જુઓ તમામ આંકડા
BJP-Congress Donation: 2023-24માં ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ બંનેના ભંડોળમાં વધારો જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ, ભાજપને આ વર્ષે અંદાજે 2,244 કરોડ રૂપિયા મળ્યા છે, જે ગયા વર્ષની સરખામણીમાં 3 ગણા વધુ છે. તો, કોંગ્રેસને 288.9 કરોડ રૂપિયા મળ્યા, જે 2022-23ની સરખામણીમાં વધુ છે. આ ડેટા ચૂંટણી પંચની વેબસાઈટ પર ઉપલબ્ધ છે અને એ દર્શાવે છે કે બંને મુખ્ય પક્ષો માટે ફંડ એક મહત્ત્વપૂર્ણ સ્ત્રોત બની ગયું છે.
આ અહેવાલ મુજબ, ભાજપને પ્રૂડન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટ તરફથી રૂ. 723.6 કરોડનો સહયોગ મળ્યો છે, જ્યારે કોંગ્રેસને એ જ ટ્રસ્ટમાંથી રૂ. 156.4 કરોડનું યોગદાન મળ્યું છે. તેનો અર્થ એ થયો કે 2023-24માં ભાજપના કુલ ફંડનો એક તૃતીયાંશ અને કોંગ્રેસનો અડધો ભાગ આ ટ્રસ્ટમાંથી આવ્યો હતો. આ ટ્રસ્ટ દેશની અગ્રણી કંપનીઓ પાસેથી ફંડ એકત્ર કરે છે, જેમ કે મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રા લિમિટેડ, સીરમ ઇન્સ્ટિટ્યૂટ, આર્સેલર મિત્તલ અને ભારતી એરટેલ વગેરે.
ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા મળેલા ફંડનો ભાજપ અને કોંગ્રેસના જાહેર કરાયેલી રકમનો સમાવેશ કરવામાં આવ્યો નથી, કારણ કે ઈલેક્ટોરલ બોન્ડની માહિતી માત્ર વાર્ષિક ઓડિટ રિપોર્ટમાં જ આપવામાં આવે છે. ફેબ્રુઆરી 2024માં, સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને રદ્દ કરી દીધી હતી, ત્યારબાદ રાજકીય પક્ષો માટે ફંડ એકત્ર કરવાનો મુખ્ય સ્ત્રોત હવે સીધો અથવા ટ્રસ્ટના માધ્યમથી બની ગયો છે.
કેટલાક પ્રાદેશિક પક્ષોએ સ્વૈચ્છિક રીતે ચૂંટણી બોન્ડમાંથી એકઠી કરેલી રકમ જાહેર કરી છે. BRSને રૂ. 495.5 કરોડ, DMKને રૂ. 60 કરોડ અને YSR કોંગ્રેસને રૂ. 121.5 કરોડ મળ્યા. આ સિવાય JMMએ ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા 11.5 કરોડ રૂપિયાનું ફંડ મેળવ્યું હતું. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે પ્રાદેશિક પક્ષોને પણ ઈલેક્ટોરલ બોન્ડ્સથી નોંધપાત્ર રકમ મળી રહી છે.
રસપ્રદ વાત એ છે કે, ભારતીય જનતા પાર્ટી (BJP)એ 2023-24માં ફ્યૂચર ગેમિંગ અને હૉટેલ સર્વિસિસ પાસેથી 3 કરોડ રૂપિયાનું ફંડ સ્વીકાર્યું છે, જે સેન્ટિયાગો માર્ટિનની કંપની છે. 'લોટરી કિંગ' તરીકે પણ ઓળખાતા માર્ટિન હાલમાં મની લોન્ડ્રિંગના આરોપોનો સામનો કરી રહ્યા છે. આ સિવાય તૃણમૂલ કોંગ્રેસ (TMC), એ રાજકીય પક્ષ હતો જેણે આ કંપની પાસેથી સૌથી વધુ ફંડ મેળવ્યું હતું.
2023-24માં આમ આદમી પાર્ટી (AAP)નું યોગદાન રૂ. 11.1 કરોડ રહ્યું, જે ગયા વર્ષના રૂ. 37.1 કરોડ કરતાં ઓછું હતું. CPMનું યોગદાન 2022-23માં રૂ. 6.1 કરોડથી વધીને 2023-24માં રૂ. 7.6 કરોડ થઇ ગયું છે. મેઘાલયમાં સત્તામાં રહેલી નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)એ 14.8 લાખ રૂપિયાનું યોગદાન જાહેર કર્યું છે, જ્યારે BSP અને BJDએ 20,000 રૂપિયાથી વધુનું કોઈ યોગદાન જાહેર કર્યું નથી. સમાજવાદી પાર્ટીની વાત કરીએ તો તેને વર્ષ 2023-24માં 46.7 લાખ રૂપિયાનું ફંડ મળ્યું છે, જે ગયા વર્ષ કરતા વધુ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp