કચ્છ: ગુજસીટોકનો આરોપી નિખિલ દોંગા (Nikhil Donga) ત્રણ દિવસ પહેલા ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાંથી પોલીસના જાપ્તામાંથી ફરાર થઇ ગયો હતો. જેને શોધવા માટે પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી. આખરે આજે તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેમજ તેને ભગાડવામાં સ્થાનિક પોલીસની જ સંડોવણી બહાર આવી છે.
ગત ધૂળેટીના દિવસે ભુજની હોસ્પિટલમાંથી નિખિલ દોંગા ફરાર થઇ ગયો હતો. હોસ્પિટલમાંથી નાસી છૂટ્યા બાદ નિખિલ દોંગાને પકડવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા જાણ થઇ હતી કે તે ઉત્તરાખંડના નૈનીતાલમાં છુપાયેલો છે. ત્યારબાદ નૈનીતાલમાં છાપામારી કરીને તેને પકડી લીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, નિખિલ દોંગાને ભગાડવામાં સ્થાનિક પોલીસના કકર્મચારીઓનો જ હાથ હોવાનું બહાર આવ્યું છે. તપાસ કરતા ડીવાયએસપી જે.એન પંચાલે મીડિયાને જણાવ્યું હતું કે તપાસમાં બહાર આવ્યું છે કે ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાંથી ફરાર થઇ ગયેલા ગુજસીટોક ગુનાના પ્રખ્યાત આરોપી નિખિલ દોંગા ને ભગાડવામાં સ્થાનિક પોલીસ અધિકારી અને કર્મચારીઓએ જ ભાગ ભજવ્યો હતો.
નિખિલ દોંગાના ભાગવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી. સીસીટીવી કેમેરામાં દેખાય છે કે 28 માર્ચે રાત્રે પોણા બાર વાગ્યે નિખિલ દોંગાના બે સાગરીતો ભરત રામાણી અને ભાવિન ખુંટ હોસ્પિટલમાં આવે છે.ત્યારબાદ રાત્રે 1:16 વાગ્યે ભાવિન ખુંટ અને નિખિલ રામાણી બહાર નીકળી છે. કોઈને જાણ ન થાય તે માટે નિખિલ ભરત રામાણીનું સફેદ ટી-શર્ટ અને માસ્ક પહેરીને બહાર આવે છે અને ત્યારબાદ સ્વિફ્ટ કારમાં બેસીને ફરાર થઇ જાય છે.
સીસીટીવી ફૂટેજ મળ્યા બાદ પોલીસે તેના આધારે તેમજ આરોપીના કોલ ડિટેલના આધારે તપાસ શરૂ કરી હતી. પોલીસે તપાસ કરી પીએસઆઈ આર.બી ગાગલ અને કોન્સ્ટેબલ રાજેશ રાઠોડની બેદરકારી દાખવવા બદલ ધરપકડ કરી લીધી હતી. તેમની પુછપરછ દરમિયાન અન્ય બે કર્મચારીઓની સંડોવણી પણ બહાર આવી હતી. પીએસઆઈ એન.કે ભરવાડ અને એએસઆઈ અલીમામદ ઓસમાણ લંઘાની પણ સંડોવણી બહાર આવી હતી. તેઓ પણ નિખિલના જાપ્તામાં હતા.
પાલારા જેલમાંથી નિખિલને જી.કે. જનરલ હોસ્પિટલમાં લાવવા માટે પીએસઆઈ ભરવાડ અને એએસઆઈ લંઘા પણ જાપ્તામાં રહેતા હતા તે દરમિયાન આરોપી પીએસઆઈ ભરવાડ અને એએસઆઈ લંઘા ફોન મારફતે આરોપીને ભગાડવામાં મદદ કરનાર ભરત રામાણીના સંપર્કમાં હતા. આ બંનેને રજૂ કરીને 3 એપ્રિલ સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.