મન બળવાન હોય તો શુભ કામ જ થાય છે. ઈશ્વરમાં આસ્થા ધરાવનારને ડિપ્રેશન કેવી રીતે આવી શકે? : આનંદમૂર્તિ ગુરુમા
સુરત, 1 ડિસેમ્બર: સુરતમાં અડાજણ ખાતે સ્વામીનારાયણ મંદિરના સભાગૃહમાં સવારે 8થી 10 દરમિયાન યોજાયેલી આનંદમૂર્તિ ગુરુમાની ચાર દિવસીય પ્રવચન શૃંખલાના બીજા દિવસે મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે આનંદમૂર્તિ ગુરુમાએ કર્મનું રહસ્ય સમજાવતા ધાર્મિક વૃત્તિનો દેખાડો કરતા લોકો સામે ધારદાર પ્રશ્નો કર્યા હતા. ધાર્મિક વ્યક્તિને, ઈશ્વરમાં આસ્થા ધરાવનારને ડિપ્રેશન કેવી રીતે આવી શકે? એવો પ્રશ્ન તેમણે પૂછ્યો હતો. સેંકડો શ્રોતાઓએ આનંદમૂર્તિ ગુરુમાએ આપેલા જ્ઞાનની સાથે-સાથે તેમના સૂરીલા કંઠે ગવાયેલી શ્રીરામ ધૂન તેમ જ શ્રીકૃષ્ણના ભજનનો અલૌકિક આનંદ પણ મેળવ્યો હતો.
દરેક પ્રાણી જન્મથી જ એક બાબત સહજ લઈને આવે છે અને એ છે કર્મ. પરંતુ પશુ તેમ જ અજ્ઞાની મનુષ્ય પ્રકૃતિવશ કર્મ કરે છે, જ્યારે જ્ઞાની પ્રકૃતિનો ગુલામ કે દાસ નથી હોતો. સિંહ જો ગાયનો શિકાર કરે છે તો તેને પાપ નથી લાગતું કારણ કે તેને ધર્મ-અધર્મની બુદ્ધિ જ નથી. મનુષ્યને આ બુદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ સામાન્યતઃ જેમ પશુ ભોજન, ભોગ, નિદ્રા અને ભયથી પ્રેરિત થઈને કર્મ કરે છે એમ મોટા ભાગના મનુષ્યો પણ આ રીતે જ જીવન જીવે છે. સુરત શહેરમાં ચાર દિવસીય પ્રવચન શૃંખલાના બીજા દિવસે જાણીતા મહિલા સંત આનંદમૂર્તિ ગુરુમાએ ભગવદગીતાના શ્લોકનો આધાર લઈને શ્રોતાઓ સમક્ષ કર્મના રહસ્યને સમજાવતા આ વાત કહી હતી.
તાર્કિક અને વૈજ્ઞાનિક અને છતાં સરળ શબ્દોમાં ગૂઢ રહસ્યોને સમજાવવાની હથોટી ધરાવતા આ મહિલા સંતે કહ્યું હતું કે જે કર્મો રાગ-દ્વેષથી કરવામાં આવે છે એનું પરિણામ દુઃખ જ હોય છે. કર્મ કરવા માટેનું પ્રેરક બળ રાગ એટલે કે કોઈ વ્યક્તિ કે વસ્તુ માટે આસક્તિ કે લગાવ હોય તો એનું ફળ પીડાદાયક જ બને છે. આ બાબતને વધુ સ્પષ્ટતાથી સમજાવતા તેમણે કહ્યું હતું કે ધારો કે તમને જલેબી ખાવાની ઇચ્છા થઈ હોય અને તમે પોતાના દીકરાને જલેબી લાવવાનું કહ્યું, પણ તે ભૂલી ગયો તો તમને તેના પર ક્રોધ આવશે. આ ક્રોધનું મૂળ તમારી જલેબી ખાવાની તીવ્ર ઇચ્છા અથવા જલેબી પ્રત્યેનો રાગ છે. એ જ રીતે દ્વેષથી પ્રેરિત થઈને કોઈ કર્મ કરશો તો એનું ફળ પણ તકલીફ જ હશે. જેમ હાથની પાંચ આંગળીઓ સમાન નથી એ રીતે સમાજમાં દરેક વ્યક્તિ ભિન્ન છે. માટે તુલના કરવાનું ટાળો. તુલના કરવાથી પણ દ્વેષની લાગણી ઉદભવે છે.
આપણા દેશમાં એસિડિટી, અનિદ્રા અને ડિપ્રેશન માટેની દવાઓ સૌથી વધુ વેચાય છે. એસિડિટી અને અનિદ્રા થવાનું સૌથી મોટું કારણ ચિંતા અને લોભ છે. ધાર્મિક વ્યક્તિને, ઈશ્વરમાં આસ્થા ધરાવનારને ડિપ્રેશન કેવી રીતે આવી શકે? એવો હચમચાવી નાખનારો પ્રશ્ન તેમણે પૂછ્યો હતો. ચિંતા, લોભ અને ભયના સ્વાસ્થ્ય પર માઠાં પરિણામો આવે છે એ સમજાવતા તેમણે કહ્યું હતું કે ચિંતા કે લોભને કારણે તમે અનિદ્રાથી પીડાઓ છો તો શરીરને એનું મૂલ્ય ચૂકવવું પડે છે. આધુનિક વિજ્ઞાને એ સિદ્ધ કર્યું છે કે જ્યારે વ્યક્તિ એક રાત બરાબર નથી ઉંઘતી તો એને કારણે શરીરને જે નુકસાન પહોંચે છે એની ભરપાઈ કરતાં શરીરને દસ દિવસ લાગી જાય છે. ચિંતા કરતા રહેવાથી શરીરમાં કોર્ટિઝૉલ નામનું રસાયણ પેદા થાય છે જે ઝેર છે.
આનંદમૂર્તિ ગુરુમા એક એવા અનોખા સંત છે જેઓ ફક્ત સમસ્યાની જ વાત નથી કરતા પણ એનો ઉકેલ પણ આપે છે. ચિંતા, લોભ અને તનાવને કારણે ઉપસ્થિત થતી સમસ્યાઓનું નિદાન કરીને તેઓ કહે છે કે આના માટે ભગવાન શ્રીકૃષ્ણે ભગવદગીતામાં ઉપાય આપ્યો છે. જો આ બધામાંથી ઉગરવું હોય તો મનને સંયમિત રાખતા શીખવું પડશે. તેજ, ધૃતિ, ક્ષમા, શૌચ, અદ્રોહ જેવા મનના સત્ત્વગુણોને વધારવા પડશે. ગીતાના શ્લોકમાંના આ મુદ્દાઓને સરળ ભાષામાં સમજાવતા તેમણે કહ્યું હતું કે તેજ એટલે પ્રભાવ. જ્યારે વ્યક્તિમાં તપસ્યાનું બળ હોય છે ત્યારે તેનામાં તેજ એટલે કે પ્રભાવ વધે છે. ધૃતિ એટલે કે ધૈર્ય. જેમ કૂતરો માણસને કરડે તો માણસ પણ કૂતરાની પાછળ તેને કરડવા દોડતો નથી એ જ રીતે કોઈ તમને એલફેલ બોલે કે ક્રોધ કરે ત્યારે તમારે તેને એ જ સ્વરૂપે જવાબ આપવો જરૂરી નથી. ધૈર્ય એ મનનો સત્વગુણ છે. આવી પરિસ્થિતમાં ધૈર્ય રાખવું જોઈએ. ક્ષમાની વાત કરતા તેમણે કહ્યું હતું કે જે વ્યક્તિમાં સામર્થ્ય છે તે જ ક્ષમા આપી શકે છે. જો કોઈ બદલો લેવાની વાત કરે છે તો એનો અર્થ એ છે કે તે કમજોર છે. શરીર અને મનની શુદ્ધિ એ શૌચ છે. જેમ સ્નાન આદિથી શરીર પરનો મેલ દૂર કરવો જરૂરી છે એ જ રીતે રાગ-દ્વેષ, ક્રોધ મનના મેલ છે અને એની શુદ્ધિ પણ અનિવાર્ય છે.
બેધડક સત્ય કહેવા માટે જાણીતા આ મહિલા સંતે તથાકથિત ધાર્મિક લોકો પર કટાક્ષ કરતા કહ્યું હતું કે મંદિરમાં જઈને ઘંટ વગાડવાથી કે તિલક-કંઠી ધારણ કરવાથી કોઈ ધાર્મિક નથી બની જતું. આવા તથાકથિત ધાર્મિક લોકો મંદિરમાં જઈને મારા જીવનમાં સુખ-શાંતિ હંમેશાં જાળવી રાખજો, એવી આજીજી કરતા રહે છે. પરંતુ ઈશ્વરને શું ડિમેન્શિયાનો (વિસ્મૃતિ) રોગ થયો છે કે તે ભૂલી જશે? એવો ધારદાર સવાલ તેમણે કર્યો હતો. જો એક સામાન્ય પિતા પણ પોતાના સંતાનના ખાવા-પીવાની અને અન્ય વ્યવસ્થા કરે છે તો આપણા પરમપિતા શું આપણું ધ્યાન નહીં રાખે?
આપણા સમાજમાં વૃદ્ધાશ્રમોની સંખ્યા વધવા લાગી છે એ વિશે ટિપ્પણી કરતા તેમણે કહ્યું હતું કે જે દેશમાં વૃદ્ધાશ્રમો બાંધવા પડે એ દેશના ધર્મના મૂળિયાં હચમચી ગયા છે એવું કહી શકાય. આ પરિસ્થિતિ માટે તેમણે સંતાનોને બદલે વાલીઓ તેમ જ શિક્ષણ વ્યવસ્થાને દોષ આપ્યો હતો. સામાન્ય રીતે સત્સંગમાં બુઢ્ઢાઓ જ જાય એવી આપણે ત્યાં માન્યતા છે. હકીકતમાં આપણે પોતાના સંતાનોને પુરાણો અને શાસ્ત્રોથી વંચિત રાખ્યા છે. જો આપણે પોતાના બાળકો સાથે બેસીને રામાયણ, મહાભારત કે ગીતાનું પઠન કર્યું હોત તો શ્રીરામ-દશરથ વચ્ચેના પિતા-પુત્રના સંબંધોના સંસ્કાર તેને મળ્યા હોત. જો ભાગવત્ વંચાવ્યું હોત તો યશોદા-શ્રીકૃષ્ણના સંબંધોથી બાળકો પ્રેરિત થયા હોત. જે ઘરમાં આ શાસ્ત્રોનું પઠન-પાઠન નથી થતું ત્યાં શ્રીરામ નહીં દુર્યોધનો જ પેદા થાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp