ઇઝરાયેલનો “યુદ્ધનાદ” : ‘Operation Iron Sward’ની શરૂઆત! સરકારી એકાઉન્ટ પર ટ્વિટ કરીને કહ્યું, “Israel at War”!
Operation Iron Sward : રશિયા-યુક્રેન યુદ્ધ પૂરું થવાનું નામ નથી લેતું અને વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ દિનપ્રતિદિન ગૂંચવાઈ રહી છે ત્યારે મધ્ય-પૂર્વનો મોરચો પણ એકાએક સળગી ઉઠ્યો છે. દાયકાઓથી ચાલી રહેલા ઇઝરાયેલ-આરબ સંઘર્ષની જે આગ છેલ્લા થોડા વર્ષોથી ઠંડી પડતી દેખાતી હતી, એ આજે આરબ આતંકવાદી જૂથ હમાસના દુષ્કૃત્યોને કારણે ફરી પાછી ભડકી ઉઠી છે.
આજે હમાસે ઇઝરાયેલ પર હુમલો કરીને આશરે 7,000 જેટલા રોકેટ્સ છોડ્યા હતા. હમાસની અલ-કાસમ બ્રિગેડે તેના ઓપરેશન 'અલ-અક્સા ફ્લડ' દરમિયાન અનેક ઇઝરાયેલ સૈનિકોને બંદી બનાવ્યાનો દાવો કર્યો છે. તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આવો વીડિયો શેર કર્યો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ઈઝરાયેલી બંદી બનાવેલાઓને જીવતા ગાઝા લઈ જવામાં આવ્યા હતા. હમાસ દ્વારા ઇઝરાયેલના શાર હાનેગેવ વિસ્તારના મેયર ઓફિર લિબસ્ટીનની હત્યા કરવામાં આવી છે. હમાસની આ આતંકવાદી હરકતના જવાબમાં ઇઝરાયેલે પોતાનાં સ્વભાવ મુજબ જડબાતોડ જવાબ આપવાનું શરુ કરી દીધું છે. ઇઝરાયેલ દ્વારા હમાસને સબક શીખવાડવા માટે Operation Iron Sward લોન્ચ કરી દેવાયું છે.
ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે કહ્યું છે કે તે મોટા પાયે ઓપરેશન શરૂ કરી રહ્યું છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે પોતાના આધિકારીક X હેન્ડલ પર પોસ્ટ કર્યું, "આઇડીએફ આજે સવારે ઇઝરાયલી નાગરિકોને હમાસ દ્વારા ઇઝરાયેલ પર કરવામાં આવેલા સંયુક્ત હુમલા સામે રક્ષણ આપવા માટે મોટા પાયે ઓપરેશન શરૂ કરી રહ્યું છે"
ઈઝરાયેલની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતે તેના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. ભારતીય દૂતાવાસે તેના તાજેતરના નિવેદનમાં કહ્યું છે કે ઇઝરાયેલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઇઝરાયેલમાં રહેતા ભારતીયોને એલર્ટ રહેવા અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે.
આ સાથે જ સોશિયલ મીડિયા પર India stands with Israel પણ ટ્રેન્ડ કરવા માંડ્યું છે, જે દર્શાવે છે કે આ કપરા સમયમાં, આતંકવાદ સામેના યુધ્ધમાં ભારતની લોકલાગણી ઇઝરાયેલની સાથે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp