શું એકનાથ શિંદે બળવાના મૂડમાં છે? CMની ખુરશી છોડવા તૈયાર નથી, જાણો શું કહ્યું?
Maharashtra New CM: મહારાષ્ટ્રમાં મહાયુતિને પ્રચંડ બહુમતી મળી હોવા છતા સરકાર બનાવવાનો માર્ગ ઉકેલાવાના બદલે વધુ જટિલ બની રહ્યો છે. શિવસેનાના નેતા અને કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદે મુખ્યમંત્રીની ખુરશી છોડવા માગતા નથી. તેમણે ફરી એકવાર સ્પષ્ટ કહ્યું છે કે, રાજ્યની જનતા તેમને મુખ્યમંત્રી તરીકે જોવા માગે છે. એક દિવસ અગાઉ તેમણે કહ્યું હતું કે, જો અજિત પવારની NCPને ગઠબંધનમાં ન લાવવામાં આવી હોત, તો તેમની પાર્ટી 90-100 બેઠકો પર ચૂંટણી લડી હોત અને તેની બેઠકો વધુ હોત.
ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા શિંદેએ કહ્યું હતું કે, હું જનતાનો મુખ્યમંત્રી હતો. હું કહેતો આવ્યો છું કે હું માત્ર મુખ્યમંત્રી જ નહીં, પરંતુ સામાન્ય માણસ છું. હું લોકોની સમસ્યાઓ અને દર્દને સમજું છું અને મેં તે સમસ્યાઓ ઉકેલવાનો પ્રયાસ કર્યો છે. જેમ કે હું સામાન્ય લોકો માટે કામ કરું છું એટલે લોકો માને છે કે મારે મુખ્યમંત્રી બનવું જોઈએ. બીજી તરફ, મુંબઈના આઝાદ મેદાનમાં 5 ડિસેમ્બરે નવી સરકારના શપથ ગ્રહણ માટે ભાજપની તૈયારી ચાલી રહી છે. એવામાં એકનાથ શિંદેનું આ નિવેદન ખૂબ મહત્ત્વપૂર્ણ બની જાય છે.
તેમણે ભાજપના કેન્દ્રીય નેતૃત્વને યાદ કરાવતા કહ્યું કે, તેમના નેતૃત્વમાં મહાયુતિએ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી સફળતાપૂર્વક લડી છે. જો કે, તેમણે વધુમાં એમ પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ જે પણ નિર્ણય લેશે, તેમની પાર્ટી તેને સ્વીકારશે. શિંદેએ આ વાત સતારા જિલ્લામાં તેમના ગામ દારેમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહી. ગુરુવારે દિલ્હીમાં અમિત શાહ સાથે મુલાકાત કર્યા બાદ શિંદે તેમના ગામ ગયા હતા. ત્યાં એવું કહેવામાં આવ્યું હતું કે, તેમની તબિયત સારી નથી. ત્યારબાદ તેઓ રવિવારે થાણે પરત ફર્યા હતા.
શિંદેએ કહ્યું કે, જે પ્રકારની સફળતા મહાયુતિ સરકારને મળી છે તે આજ સુધી અન્ય કોઈ પાર્ટીને મળી નથી. તેમના નેતૃત્વમાં વિધાનસભાની ચૂંટણી લડવામાં આવી હતી. બંને નાયબ મુખ્યમંત્રીઓ અને અન્ય સાથીદારો મારી સાથે હતા. અમે મોટી જીત હાંસલ કરી છે. મૂંઝવણની કોઈ સ્થિતિ નથી. મેં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી અને અમિત શાહ મુખ્યમંત્રી પદને લઈને જે નિર્ણય લેશે તે તેમને સ્વીકાર્ય રહેશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp