US Election Results: અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત, જાણો તેમના અંગત અને રાજકીય જીવનની સફર
Donald Trump: અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો જાદુ ફરી એકવાર કામ કરી ગયો છે. તેમણે આ ચૂંટણી જીતીને કમલા હેરિસને હરાવ્યા છે. ફોક્સ ન્યૂઝના સંદર્ભે આ માહિતી સામે આવી છે. એવામાં, સ્પષ્ટ છે કે હવે અમેરિકાની કમાન ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં રહેશે.
ડોનાલ્ડ ટ્રમ્પનો જન્મ 14 જૂન, 1946ના રોજ ન્યૂયોર્કમાં થયો હતો. તેમનો પરિવાર પહેલાથી જ ખૂબ અમીર હતો, તેથી એમ કહેવાય છે કે ટ્રમ્પનો જન્મ ચાંદીના ચમચી સાથે થયો હતો. જ્યારે ટ્રમ્પ નાના હતા, ત્યારે તેમની માતા બીમાર પડવા લાગ્યા અને તેમને બાળપણમાં માતાનો પ્રેમ ઓછો મળ્યો. એટલે પિતાનો પ્રભાવ ટ્રમ્પ પર વધુ હતો. ટ્રમ્પ સ્કૂલના સમયમાં પણ ખૂબ જ આક્રમક હતા અને તેમના પિતાને વારંવાર ટ્રમ્પ વિશે ફરિયાદો મળતી હતી.
ટ્રમ્પ સ્કૂલના દિવસોમાં પણ બાળકોને બુલી કરતા હતા. આ કારણે ટ્રમ્પના પિતાએ તેમને મિલિટ્રી સ્કૂલમાં એડમિશન અપાવ્યું હતું. તે સમયે ટ્રમ્પ 13 વર્ષના હતા. મિલિટરી સ્કૂલમાંથી પાસ થયા બાદ ટ્રમ્પે ફોર્ડહામ યુનિવર્સિટીમાં 2 વર્ષ સુધી અભ્યાસ કર્યો. ત્યારબાદ તેઓ પેન્સિલવેનિયા યુનિવર્સિટી ગયા. તેમણે રિયલ એસ્ટેટ પ્રોગ્રામમાં અભ્યાસ કર્યો. તેમણે વર્ષ 1968માં ઈકોનોમિક સાયન્સમાં ડિગ્રી પણ લીધી હતી.
ટ્રમ્પે અમેરિકન પ્રમુખપદનો દાવો કર્યો, તેના ઘણા સમય અગાઉ અમેરિકન અબજોપતિ હતા. તેમને રિયલ એસ્ટેટના મુઘલ કહેવામાં આવતા હતા. અગાઉ પણ તેઓ ઘણીવાર અમેરિકન મીડિયામાં હાઇલાઇટ થયા હતા અને તેમણે પોતાની સ્પષ્ટ પ્રચાર શૈલીથી ઘણા અનુભવી રાજકારણીઓને હરાવ્યા હતા. વર્ષ 2000માં ટ્રમ્પને ‘ધ એપ્રેન્ટિસ’ નામના ટી.વી. શૉથી મોટી ઓળખ મળી હતી. તેઓ આ શૉને હોસ્ટ કરતા હતા, જેના કારણે તેઓ ખૂબ લોકપ્રિય બન્યા.
વાસ્તવમાં, તેમણે વર્ષ 1980માં રાજકારણમાં રસ લીધો હતો. પરંતુ 2015માં, તેમણે રિપબ્લિકન પાર્ટી હેઠળ રાષ્ટ્રપતિ પદ માટે પોતાની ઉમેદવારીની જાહેરાત કરી હતી અને 2016ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં, તેમણે ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિન્ટનને હરાવ્યા. તેને જ ટ્રમ્પની રાજકીય કારકિર્દીની વાસ્તવિક શરૂઆત માનવામાં આવે છે. 2020ની રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ટ્રમ્પનો, જો બિડેન સામે પરાજય થયો હતો. ટ્રમ્પ પોતાના અંગત જીવનના કારણે પણ ચર્ચામાં રહે છે. તેમણે ત્રણ વખત લગ્ન કર્યા છે. તેમની પ્રથમ પત્નીનું નામ ઇવાના ટ્રમ્પ, બીજી માર્લા મેપલ્સ અને હાલની પત્ની મેલાનિયા ટ્રમ્પ છે. ટ્રમ્પના પાંચ બાળકો પણ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp