સુરત: BJP મહિલા મોરચાના પ્રમુખની શંકાસ્પદ આત્મહત્યા, મામલો શંકાના ઘેરામાં?
Dipika Patel Suicide Case: ગઈ કાલે અલથાણના ભીમરાડમાં રહેતા ભારતીય જનતા પાર્ટી (BJP)ના મહિલા મોરચાના અધ્યક્ષે પોતાના જ ઘરે અગમ્ય કારણોસર ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મીડિયા રિપોર્ટ મુજબ, આત્મહત્યા કરવા અગાઉ દીપિકાએ સચિનના કોર્પોરેટર અને લાઈટ એન્ડ ફાયર સમિતિના કોર્પોરેટર ચિરાગ સોલંકી સાથે વાત કરી હતી. ફોન પર દીપિકા પટેલે આત્મહત્યા કરવા જઈ રહી હોવાનું કહ્યું હતું. જેથી ચિરાગ દીપિકાના ઘરે પહોચ્યા હતા. અને દરવાજો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો.
દીપિકાને ફાંસો ખાધેલી હાલતમાં જોઈને તેને નીચે ઉતારી હૉસ્પિટલ જઈ જવામાં આવી હતી, પરંતુ ફરજ પર હાજર ડૉક્ટરે તેને મૃત જાહેર કરી દીધી હતી. આ ઘટનાની જાણ થતા જ સગા-સંબંધીઓ, અલથાણ પોલીસ અને DCP હૉસ્પિટલ પહોચ્યા હતા. આ ઘટના બની એ સમયે પરિવારના સભ્યો અને દીપિકાનો પતિ ખેતરે ગયો હતો, જ્યારે દીપિકાની બે દીકરીઓ અને એક દીકરો ઘરે હતા. પોસ્ટમોર્ટમમાં ગળે ફાંસો ખાવાના કારણે દીપિકા પટેલનું મોત થયું હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. પરંતુ આ મામલે દીપિકાના પરિવારજનો હત્યા થઇ હોવાનો આરોપ લગાવી રહ્યા છે.
આ સમગ્ર ઘટનામાં કેટલાક એવા સવાલો ઉભા થાય છે જે દરેકની આંખે ખૂંચે છે. સૌથી પહેલા સવાલ તો એ ઉઠે કે ફોન પર દીપિકા પટેલે આત્મહત્યા કરવા જઈ રહી હોવાનું કહ્યું હતું તો ચિરાગે તરત જ પતિ કે સગા-સંબંધીઓને જાણ કેમ ન કરી? બીજો સવાલ એ થાય કે દીપિકા પટેલે આત્મહત્યા કરી રહી છે એ વાત માત્ર ચિરાગ સોલંકીને જ કેમ કહી? શું તેમની સાથે કોઈ વાતને લઈને વિવાદ થયો હતો?
ચિરાગ સોલંકીને આત્મહત્યા વિશે ખબર પડી તો તેઓ તરત દીપિકાના ઘરે પહોચ્યા ત્યાં સુધી તો બધી વાત ઠીક છે, પરંતુ તેમણે એટલા મોટા બનાવ અંગે સૌથી પહેલા નજીકના પોલીસ પોલીસ સ્ટેશનમાં જાણ કેમ ન કરી? સવાલ તો એવો પણ ઉઠે છે કે આત્મહત્યા કરી હોવાનું ચિરાગ પટેલને જાણવા મળ્યા બાદ તેના પતિ કે સગા-સંબંધીઓને પણ જાણ કરવાનું ઉચિત ન લાગ્યું? મીડિયા રિપોર્ટ મુજબ, દીપિકા પટેલને હાલમાં જ જમીનના 20 કરોડ રૂપિયા મળ્યા હતા. તો શું આ મામલો રૂપિયાની લેતી-દેતી સાથે સંબંધિત હોય શકે છે? હવે પોલીસ તપાસમાં વધુ શું જાણવા મળે છે એ જોવાનું રહેશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp