એકનાથ શિંદે આ 5 સવાલોથી પરેશાન, આ કારણે તેઓ ફડણવીસને નથી આપવા માગતા CMની ખુરશી!
Maharashtra New CM: મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામો આવ્યાને 9 દિવસ વીતી ગયા છે. પરંતુ, મુખ્યમંત્રીની ખુરશીને લઈને વિવાદ હજુ પણ ચાલુ છે. એક તરફ, વર્તમાન મુખ્યમંત્રી એકનાથ શિંદે છે જેઓ વારંવાર સંકેત આપી રહ્યા છે કે તેઓ હજુ સુધી રેસથી બહાર નથી. તેઓ મુખ્યમંત્રીની ખુરશીથી ઓછી કોઈ વાત માટે સહમત હોય તેવું લાગતું નથી. તેઓ લોકોના મુખ્યમંત્રી હોવાનો સંકેત આપી રહ્યા છે. તેમના નેતૃત્વમાં જ મહાયુતિને આટલી શાનદાર જીત મળી છે. આમ જોવા જઈએ તો મુખ્યમંત્રીની ખુરશી પર કબજો કરવો એ પણ એકનાથ શિંદેની રાજકીય મજબૂરી પણ છે. જો તેઓ આ ખુરશી પરથી હટી જાય છે તેમના રાજકીય ભવિષ્ય પર સવાલો ઉભા થવા લાગશે.
જો એકનાથ શિંદે મુખ્યમંત્રી પદ છોડશે તો આ સૌથી મોટા સવાલનો જવાબ તેમણે જ આપવો પડશે. વર્ષ 2022માં શિવસેનાને તોડીને તેમણે માત્ર 40 ધારાસભ્યોના બળ પર મુખ્યમંત્રી પદ હાંસલ કર્યું હતું. તે સમયે તેમણે આરોપ લગાવ્યો હતો કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં પાર્ટી પોતાની ફરજોથી ભટકી ગઈ છે. બીજી તરફ એ વાત જાણીતી છે કે 2019માં શિવસેનાને મુખ્યમંત્રીની ખુરશી ન મળવાના કારણે ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું હતું. તો આ નિર્ણયમાં શિંદે પણ ઉદ્ધવની સાથે હતા. હવે શિંદેની સ્થિતિ 2019 જેવી છે. તેમને મુખ્યમંત્રી પદ જોઈએ છે અને ભાજપ તેમને આ પદ આપી રહી નથી.
જો એકનાથ શિંદે મુખ્યમંત્રીની ખુરશી છોડી દે છે અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં બનેલી સંભવિત સરકારમાં તેમના પુત્ર શ્રીકાંત શિંદેને નાયબ મુખ્યમંત્રી બનાવે છે, તો તેમના પર પરિવારવાદનો આરોપ લાગશે. તેઓ આજ આરોપ ઉદ્ધવ ઠાકરે પર લગાવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે શિવસેનામાં ઠાકરે સિવાય બીજું કોઈ નહીં જઈ શકે. આ બહાને તેમણે ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે પર પ્રહાર કર્યો હતો. પરંતુ હવે તેમની સામે પણ આવી જ સ્થિતિ બનતી દેખાઇ રહી છે.
બૃહદમુંબઈ મ્યુનિસિપલ કાઉન્સિલ (BMC)ની ચૂંટણી આગામી સમયમાં યોજાવા જઈ રહી છે. BMCમાં શિવસેના ઉદ્ધવ જૂથનું વર્ચસ્વ છે. એવામાં જો એકનાથ શિંદે મુખ્યમંત્રી પદ છોડશે તો ઉદ્ધવની શિવસેના તેમના પર ભાજપ સામે ઝૂકવાનો આરોપ લગાવશે. તો તેઓ શિવસૈનિકોને આ સંદેશ આપશે કે જેઓ ભાજપ સાથે જનારાઓની હાલત આવી થાય છે. ભાજપ પોતાનું કામ થઈ જાય પછી તેના સાથી પક્ષોને માન આપતી નથી.
એકનાથ શિંદે મરાઠા નેતા છે. બીજી તરફ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ મરાઠા સમુદાયમાં વધારે લોકપ્રિય નથી. મરાઠા અનામત માટે આંદોલન કરનારા મનોજ જરાંગે પાટીલે ખુલ્લેઆમ દેવેન્દ્ર ફડણવીસ પર પ્રહાર કર્યો છે. એવામાં શિંદેને મુખ્યમંત્રીની ખુરશી ન આપવાથી મરાઠા સમુદાયમાં ભાજપ પ્રત્યે નારાજગી વધશે. ત્યારે આ મતો શિંદેના બદલે ઉદ્ધવની શિવસેના તરફ શિફ્ટ થઇ શકે છે.
એકનાથ શિંદે વારંવાર દાવો કરી રહ્યા છે કે તેમના નેતૃત્વમાં મહાયુતિએ ચૂંટણી લડી હતી. તેમની સરકારે અઢી વર્ષમાં શાનદાર કામ કર્યા. તેઓ સામાન્ય માણસ છે અને સામાન્ય માણસની પીડા સમજે છે. આજ સુધી મહારાષ્ટ્રમાં બીજી કોઈ સરકારે આવી વાપસી કરી નથી. એવામાં જો તેમના દાવા એટલા મજબૂત છે તો તેમને મુખ્યમંત્રીની ખુરશી કેમ ન મળી. તેમણે આ સવાલનો જવાબ પણ આપવો પડશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp