મહારાષ્ટ્રના 5 મોટા બળવાખોર ચહેરા, જેઓ ખેલ બગાડવાનો દમખમ રાખે છે!
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ઘણી બેઠકો પર 10 કરતા વધુ બળવાખોરો હજુ પણ મેદાનમાં છે. આ બળવાખોરો બંને ગઠબંધનમાં છે. વાત પછી મહાયુતિની હોય કે મહા વિકાસ આઘાડીની. બંને ગઠબંધનમાં બળવાખોરોને લઈને તણાવ છે. વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે 45 જેટલા બળવાખોરોએ પોતાના ઉમેદવારીપત્રો પાછા ખેંચ્યા હતા. પરંતુ મેદાનમાં હજુ પણ એવા બળવાખોરો છે જે કોઈનો પણ ખેલ બગાડી શકે છે. મહા વિકાસ આઘાડીમાં ખૂબ ઓછા બળવાખોર બચ્યા છે, પરંતુ સપાના ઉમેદવારો મુશ્કેલી બની રહ્યા છે.
બળવાખોરોમાં સમીર ભુજબલ સૌથી આગળ છે. તેઓ છગન ભુજબલના ભત્રીજા છે અને અગાઉ લોકસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. સમીર ભુજબલ નાંદગાંવ બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. મહાયુતિમાંથી શિંદે સેનાએ ફરીથી વર્તમાન ધારાસભ્ય સુહાસ કાંડેને ટિકિટ આપી છે, જ્યારે અઘાડીમાંથી શિવસેનાના UBTના ગણેશ ધાત્રક ચૂંટણી લડી રહ્યા છે. આ સીટ પર ચોથા ઉમેદવાર ડૉ.રોહન બોરસે પણ છે જે સુહાસ કાંડે માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.
બળવાખોરોમાં બીજો મોટો ચહેરો ભાજપના પૂર્વ સાંસદ હીના ગાવિત છે. તેઓ નંદુરબાર જિલ્લાની અક્કલકૂવા અકરાણી બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. મહાયુતિમાંથી શિંદે સેનાના અમશા પાડવી, જ્યારે કોંગ્રેસના કે.સી. પાડવી અઘાડીમાંથી ચૂંટણી લડી રહ્યા છે. કે.સી.પાડવી સતત પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે, પરંતુ ચૂંટણી મેદાનમાં હીના ગાવિતની એન્ટ્રી થતા કે.સી.પાડવીનો માર્ગ સરળ થઇ ગયો છે.
ગીતા જૈન ત્રીજું નામ છે, જેઓ બળવાખોર ઉમેદવાર તરીકે દરેકનો ખેલ બગાડી શકે છે. અપક્ષ ધારાસભ્ય ગીતા જૈન મીરા ભયંદર વિધાનસભાથી એકનાથ શિંદે પાસેથી ટિકિટ માગી રહ્યા હતા, પરંતુ આ બેઠક ભાજપ પાસે ગઈ, તેથી ગીતા જૈન અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે અહીંથી નરેન્દ્ર મહેતાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. અઘાડી તરફથી કોંગ્રેસના મુઝફ્ફર હુસૈન મેદાનમાં છે. આ વિસ્તાર હિંદુ પ્રભુત્વ ધરાવે છે અને એવું માનવામાં આવે છે કે નરેન્દ્ર મહેતા અને ગીતા જૈન વચ્ચે હરીફાઈ થશે. પરંતુ કોંગ્રેસના મુઝફ્ફર હુસૈન તેમાં પોતાનો ફાયદો જોઈ રહ્યા છે.
કલ્યાણ પૂર્વ બેઠક પરથી મહેશ ગાયકવાડ પણ અપક્ષ ઉમેદવાર છે, જેઓ ભાજપનો ખેલ બગાડી શકે છે. ભાજપે કલ્યાણ પૂર્વથી ગણપત ગાયકવાડની પત્ની સુલભા ગાયકવાડને ટિકિટ આપી છે. UBTના ધનંજય બોરાડે અઘાડી તરફથી ચૂંટણી મેદાનમાં છે. પરંતુ મહેશ ગાયકવાડ અને ગણપત એકબીજાના કટ્ટર દુશ્મન છે. ગણપતે પોલીસ સ્ટેશનમાં ઘૂસીને મહેશને ગોળી મારી હતી. તો મહેશનો પ્રયાસ છે કે ભલે તેઓ ન જીતે પણ ગણપતની પત્ની હારી જાય.
મહાવિકાસ અઘાડીમાં કોઈ બળવાખોર ચહેરા નથી, પરંતુ સમાજવાદી પાર્ટીએ મહાગઠબંધનની મુશ્કેલીઓ વધારી દીધી છે. સપાએ ચૂંટણીમાં 5 બેઠકો માગી હતી, પરંતુ અઘાડીએ સપા માટે માત્ર 2 બેઠકો જ છોડી હતી. તેનાથી નારાજ અબૂ આઝમીએ 8 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા કરી દીધા છે. સપાના 6 ઉમેદવારોથી કોંગ્રેસને નુકસાન થશે. સપા અને કોંગ્રેસ વચ્ચે વાત બની શકી નથી અને હવે બંને પક્ષો વચ્ચે મૈત્રીપૂર્ણ લડાઈ સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp