જે ઉમર ખાલિદને ન્યુયોર્કના મેયરે સમર્થન આપ્યું તેને લઈને સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો! જાણો
તાજેતરમાં જ ન્યુયોર્કના મેયર બનેલા ભારતીય મૂળના મમદાનીએ જે ઉમર ખાલિદને સમર્થન જાહેર કર્યું હતું, તે વ્યક્તિને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. 2020ના દિલ્હી રમખાણોમાં કથિત ભૂમિકા મામલે યુએપીએના કેસમાં એક્ટિવિસ્ટ ઉમર ખાલિદ, શરજીલ ઈમામની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. જ્યારે તેમના સિવાયના 5 આરોપીઓની જામીન અરજી મંજૂર થઈ ગઇ છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ 10 ડિસેમ્બરે આરોપીઓ અને દિલ્હી પોલીસની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.
મહત્વનું છે કે, આ તમામ આરોપી 2020ના દિલ્હી રમખાણોમાં કથિત ભૂમિકા બદલ પાંચ વર્ષ કરતા વધુ સમયથી જેલમાં જ છે. દિલ્હી હાઈકોર્ટે યુએપીએનો હવાલો આપતા તેમને જામીન આપવાનો ઈનકાર કર્યો હતો અને તેમણે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જ્યાં શરજીલ ઈમામ અને ઉમર ખાલિદ સિવાયના આરોપીઓમાં સામેલ ગુલફિશા ફાતિમા, મીરાં હૈદર, શિફા ઉર રહેમાન, મોહમ્મદ સલીમ ખાન અને શાદાબા અહેમદના જામીન કોર્ટે મંજુર કર્યા છે, પણ ખાલિદ અને ઉમરના જામીન ફગાવી દેવાયા છે.
સુપ્રીમ કોર્ટે યુએપીએ એક્ટનો હવાલો આપતાં કહ્યું હતું કે, હાઈકોર્ટે તેનો ઉલ્લેખ કરીને જ જામીન ફગાવ્યા હતા. આરોપીઓ સામે અલગ અલગ કલમો લગાવાઈ છે. તમામ આરોપીઓને એક નજરે ન જોઇ શકાય. શરજીલ ઈમામ અને ઉમર ખાલિદની ભૂમિકા અલગ જ દેખાઈ રહી છે. બાકીના અન્ય આરોપીઓની ભૂમિકા અલગ હતી. અપરાધની ગંભીરતાને અમારે ધ્યાનમાં લેવી પડશે. સુપ્રીમ કોર્ટનું માનવું છે કે, રમખાણકારોને એકઠા કરવામાં શરજીલ ઈમામ અને ઉમર ખાલિદની ભૂમિકા મોટી હતી.
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં 2020માં નાગરિક સુધારા કાયદો (CAA) અને પ્રસ્તાવિત એનઆરસીના વિરોધ વખતે રમખાણો ભડક્યા હતા. જેમાં 53 લોકો માર્યા ગયા હતા અને 700થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તેથી આ ષડયંત્ર માટે આરોપીઓ પર ગંભીર UAPA(ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેના પર સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp