બે સાયબર ઠગની જાળમાં ફસાઈને નિવૃત્ત સરકારી અધિકારીએ 81 લાખ રૂપિયા ગુમાવ્યા

બે સાયબર ઠગની જાળમાં ફસાઈને નિવૃત્ત સરકારી અધિકારીએ 81 લાખ રૂપિયા ગુમાવ્યા

12/10/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

બે સાયબર ઠગની જાળમાં ફસાઈને નિવૃત્ત સરકારી અધિકારીએ 81 લાખ રૂપિયા ગુમાવ્યા

અમદાવાદ : આધુનિક યુગમાં જે દેશ ટેકનોલોજીની દ્રષ્ટિએ જેટલો સધ્ધર તેટલો જ તેને વિકસિત માનવામાં આવે છે. ટેકનોલોજીએ લોકોનું જીવન સરળ બનાવ્યું છે. પરંતુ બીજી તરફ ઈન્ટરનેટના કારણે છેતરપિંડીના કેસોની સંખ્યામાં પણ ઘણો વધારો થયો છે. તાજેતરમાં જ સાયબર ક્રાઈમ (Cyber Crime)ની એક ઘટના સામે આવી છે જેમાં એક નિવૃત્ત સરકારી અધિકારી સાથે 81 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. બે સાયબર ઠગોએ મળીને બે મહિનામાં અધિકારી પાસેથી અધધ રૂપિયા પડાવી લીધા હતા. તેમણે નિવૃત્ત અધિકારીને વિદેશી હૂંડિયામણના વેપારમાં મોટો નફો કમાવવાની લાલચ આપી હતી.


અમદાવાદના CIDના સાયબર સેલમાં 64 વર્ષીય સુભાષચંદ્રએ ફરિયાદ નોંધાવી છે. તેઓ રાજ્યનાં સિંચાઇ વિભાગમાં એડીશનલ આસિસ્ટન્ટ એન્જીનિયર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમણે ફરિયાદમાં કહ્યું છે કે, 27 ઓક્ટોબર 2020થી આ ઠગાઈની શરૂઆત થઈ હતી.

તેમણે અજાણ્યા સ્રોત પાસેથી ઇન્વેસ્ટમેન્ટને લગતો મેસેજ મળ્યો હતો. સુભાષચંદ્રએ જયારે મેસેજ જોયો તો તેમાં એક હાઈપર લિંક મુકવામાં આવી હતી. આ લિંક પર ક્લિક કરતાં તેઓ ફોરેન એક્ષચેન્જ વેબસાઈટ પર પહોચ્યા હતા. વેબસાઈટ પર આરોપી સંજય પટેલનો કોન્ટેક્ટ નંબર પણ આપવામાં આવ્યો હતો.

સુભાષચંદ્રને સંજયે એક સર્ટીફિકેટ મોકલ્યું જે ઇન્ટરનેશનલ ફાઈનાન્સ સર્વિસ કમિશન દ્વારા ફોરેક્સ ટ્રેડીંગ કંપની ગેલેક્સી એફ એક્સ ટ્રેડ માટે ઈશ્યુ કરવામાં આવ્યું હતું. આ સાથે જ અન્ય ગ્રાહકો અને તેમણે મેળવેલા નફાની માહિતી પણ આપવામાં આવી હતી.


વધારે રોકાણ કરવા રાજી કર્યા

સુભાષચંદ્રને વિશ્વાસ થઈ ગયો કે, આ કંપની યોગ્ય છે અને તેણે નફાની લાલચમાં આવીને તેમાં રોકાણ કરવા માટે રાજી થઈ ગયા હતા. સંજયની સલાહ અનુસાર તેમણે પહેલીવાર 2.23 લાખ રૂપિયાનું રોકાણ કર્યું અને 28 ઓક્ટોબર 202૦ન રોજ યુઝર આઈડી અને ટ્રેડીંગ અકાઉન્ટ માટે ક્રેડેન્શિયલ પ્રાપ્ત કર્યું.

સંજયે ત્યારપછી કંપનીની બેલેન્સશીટ સુભાષચંદ્રને બતાવી અને અમુક સ્ક્રીનશોટ્સ બતાવ્યા જેથી તેમણે વિશ્વાસ થઈ ગયો કે કંપની નફો કરી રહી છે. સંજય અને તેના સાથી આશિષ જૈને સુભાષ ચંદ્રને વધારે રોકાણ કરવા રાજી કર્યા અને કોઈ મહિલાના નામે બીજું અકાઉન્ટ પણ બનાવડાવ્યું હતું.


સાઈબર સેલમાં ફરિયાદ નોંધાવી

સાઈબર સેલમાં ફરિયાદ નોંધાવી

સંજયની વાતોમાં આવીને સુભાષચંદ્રે પોતાનાં અને પત્નીના ટ્રેડીંગ અકાઉન્ટ માટે કુલ 81 લાખ રૂપિયા ચુકવ્યા. કંપનીની વેબસાઈટ અનુસાર, સુભાષચંદ્રના પૈસા બમણા થઈ ગયા. જયારે સુભાષચંદ્રએ તેમની પાસે રોકડા પૈસાની માંગણી કરી અને ટ્રેડીંગ અકાઉન્ટ બંધ કરવાની ઇચ્છા વ્યક્ત કરી તો બંને તેમને ટાળવા લાગ્યા હતા.

જાન્યુઆરી મહિનામાં તેમણે સુભાષ ચંદ્રના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું અને પછી ખબર પડી કે તેમની કંપનીની વેબસાઈટ પણ બંધ થઈ ગઈ છે. જે બાદ આખરે સુભાષચંદ્રએ  સાઈબર સેલમાં ફરિયાદ નોંધાવી છે. જે મામલે છેતરપિંડી, વિશ્વાસઘાત અને આઈટી એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top