ગુજરાતનો બહુચર્ચિત બગદાણાના નવનીત બાલધિયા કેસમાં હવે અસલી તપાસનો ધમધમાટ શરૂ થવાનો છે. નવીનત બાલધિયા પર થયેલા હુમલા બાદ કોળી સમાજમાં રોષ છે. ત્યારે સોમવારે મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકી, ધારાભ્ય હીરાભાઈ સોલંકી, ઉમેશભાઈ મકવાણા સહિત સમાજના અગ્રણીઓએ ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.. આ બેઠક બાદ રાજ્ય સરકારે SITની રચના કરવાનો આદેશ આપ્યો હતો. આ SITની ટીમની હાલમાં રેન્જ IG સાથે બેઠક યોજાઈ છે.
બગદાણાના સેવક નવનીત બાલધિયા પર હુમલાના કેસમાં SITની રચના કરવામાં આવી છે. ભાવનગરના રેન્જ IG ગૌતમ પરમારે SITની રચના કરી છે. અમરેલી ASP જયવીર ગઢવીની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે. ધારીના મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા જયવીર ગઢવીની અધ્યક્ષતામાં રચાયેલી SITમાં પોલીસ ઈન્સપેક્ટર એમ.જી જાડેજા, પી.જે.વાળા, હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણદેવસિંહ ચુડાસમા અને ભગવાનભાઈ ખાંભલાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ કેસમાં SIT તપાસ કરશે અને તેનો રિપોર્ટ રેન્જ IGને મોકલશે. SITને ગુના સંબંધિત કાગળો એકત્ર કરી રોજ રેન્જ IGને રિપોર્ટ મોકલવા સૂચના આપવામાં આવી છે. કોળી સમાજના આગેવાનોની મુખ્યમંત્રી સાથે મુલાકાત થયા બાદ SITની રચના કરવામાં આવી હતી.
રેન્જ IG ગૌતમ પરમારે SITના સભ્યોને સ્પષ્ટ સૂચના આપી છે કે આ સમગ્ર કેસની તપાસ સંપૂર્ણપણે નિષ્પક્ષ અને પારદર્શક રીતે થવી જોઈએ. કોઈપણ પ્રકારના દબાણ વગર સત્ય સામે લાવવા માટે આ ટીમને છૂટ આપવામાં આવી છે. આગામી સમયમાં રેન્જ IG પોતે SITના સભ્યો સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજશે, જેમાં તપાસની દિશા અને અત્યાર સુધીના ડેવલપમેન્ટ વિશે ચર્ચા કરવામાં આવશે.
બગદાણામાં નવનીતભાઈ બાલધિયાને માર મારવાની ઘટના બાદ સ્થાનિક સ્તરે ભારે રોષ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં પણ આ મુદ્દે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. આ મામલામાં સંડોવાયેલા શખ્સો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી હતી. પોલીસ તંત્ર પર પણ દબાણ હતું કે આ કેસમાં કોઈ કચાશ ન રહે.
હવે SIT દ્વારા ઘટનાસ્થળની મુલાકાત, સાક્ષીઓના નિવેદનો અને મેડિકલ રિપોર્ટ્સનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવશે. IPS જયવીર ગઢવીના માર્ગદર્શન હેઠળ PI એમ.જી. જાડેજા આરોપીઓ વિરુદ્ધ મજબૂત ચાર્જશીટ તૈયાર કરવા માટે કામ કરશે. આ હાઈ-પ્રોફાઈલ કેસમાં SITની રચના બાદ હવે આરોપીઓની મુશ્કેલીઓ વધી શકે છે. સૌની નજર હવે પોલીસની તપાસ પર ટકેલી છે.
મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ધામના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરનું નામ લીધું હતું. જોકે બાદમાં નવનીત બાલધિયાએ માયાભાઇને ફોન કરીને જણાવ્યું હતું કે અત્યાર સુધી કોઈ પણ મેનેજિંગ ટ્રસ્ટી નિમાયા નથી. ભૂલ સમજાતા માયાભાઈ આહીરે માફી માંગતો વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ 29 ડિસેમ્બર 2025ની રાત્રે બગદાણાના નવનીત બાલધિયા પર 8 લોકોએ હુમલો કર્યો હતો અને ઢોર માર્યો હતો, જેના ગુજરાતભરમાં ઘેરા પડઘા પડ્યા છે.
પિતાનો માફી માગતા વીડિયો અંગે દાઝ રાખી માયાભાઈના પુત્ર જયરાજે હુમલો કરાવ્યો હોય તેવા આરોપ લગાવવામાં આવ્યા હતા. જોકે PI અને DySPએ પ્રાથમિક તપાસમાં જ જયરાજને ક્લીનચિટ આપતા કોઈ સંડોવણી નથી તેમ કહી દીધું હતું.
નવનીત બાલધિયા ઉપર થયેલા હુમલાના મામલે પોલીસે તાત્કાલિક 8 લોકોની ધરપકડ કરી હતી. બગદાણા પોલીસે 8 લોકોની ધરપકડ કરી હતી, જેમાં મુખ્ય આરોપી નાજુ કામળીયા, રાજુ ભમ્મર, આતું ભમ્મર, વિરેન્દ્રસિંહ પરમાર, સતીષ વનાળીયા, ભાવેશ શેલાણા, પંકજ મેર, વીરુ સેરડા તમામ આરોપીઓનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓનું રિકન્ટ્રક્શન કરી વધુ તપાસ હાથ ધરી છે.
નવનીત બાલધિયા પર હુમલાની ઘટનાને લઈને પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા હતા. હુમલાની ઘટનાને લઈને કોળી સમાજમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. જોકે સમગ્ર મામલે પોલીસ પર ગંભીર આરોપો થતા હોવાથી જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક અસરથી બગદાણાના PI ડી.વી. ડાંગરની બદલી કરીને લીવ રિઝર્વમાં મૂકી દીધા હતા. હવે SITની તપાસમાં અન્ય આરોપીઓના નામ ખુલે છે કે કેમ તેની સૌની ઉપર નજર છે.