હેરિટેજ સાઈટ જાહેર થયેલા આ મંદિરમાં પડછાયો ઉંધો પડે છે!
10/03/2020
Religion & Spirituality
મારે મંદીરીયે
મહેશ પુરોહિત
શિક્ષક, વિચારક
આજે મંદિરોની એવી શૃંખલાની વાત કરીએ, જે ઐતિહાસિક પણ છે, સુંદર પણ છે, કળાકારીગરીનો ઉત્તમ નમુનો પણ છે... અને આ બધાની સાથે જ એ એક એવા મહાન સામ્રાજ્યની વાત કરે છે, જેને સ્વતંત્ર ભારતના કહેવાતા ઈતિહાસકારોએ વિસારે પાડી દીધું છે. જે શહેરમાં આ મંદિરો આવેલા છે, એ એક જમાનામાં વિશ્વના સૌથી સમૃદ્ધ ગણાતા નગરો પૈકીનું એક હતું. અને આ શહેર એટલે કર્ણાટકમાં આવેલું હમ્પી.
આપણને મોગલોનો ઇતિહાસ તો ગોખાવી ગોખાવીને ભણાવવામાં આવ્યો. પણ આજે બહુ થોડા લોકોને ખબર છે કે દિલ્હીમાં મોગલોનું હતું, એવું જ શક્તિશાળી સામ્રાજ્ય દક્ષિણ ભારતમાં રાજા કૃષ્ણદેવરાયનું હતું, જે વિજયનગર રાજ્ય તરીકે ઓળખાતું. શાસક તરીકે કૃષ્ણદેવ રાય અદભૂત હતા. અનેક યુધ્ધોમાં વિજય મેળવનાર અને બીજાપુરના બની બેઠેલા સુલતાનને યુધ્ધમાં ધૂળ ચટાડનાર કૃષ્ણદેવરાયના સાહસને સમકાલીન રાજા બાબર પણ વખાણતો! એવું કહેવાય છે કે તેમના સાશન દરમિયાન વિજયનગર રાજ્ય સત્તા, સમૃદ્ધિ અને કળાવારસા બાબતે ટોચ પર હતું. આ વિજયનગર સામ્રાજ્યની રાજધાની એટલે ‘હમ્પી’.
આપણને ભલે આપણો આ યશસ્વી ઇતિહાસ બહુ ભણાવવામાં નથી આવ્યો, પણ વિદેશીઓએ પૂરી ગંભીરતાથી વિજયનગર અને હમ્પીના વારસાની નોંધ લીધી છે. UNESCOએ હમ્પીને ‘હેરિટેજ સાઈટ’નો દરજ્જો આપ્યો છે. ઉપરાંત ઈ.સ.૨૦૧૯માં ન્યૂયોર્ક ટાઈમ્સ (New York Times) અખબારે ‘52 places to go in 2019’ નામે પ્રવાસન સ્થળોની યાદી બહાર પાડેલી, એમાં હમ્પી બીજા નંબર પર હતું! વાર્ષિક ૧૫,૦૦,૦૦૦ લોકો હમ્પીની મુલાકાત લે છે. જેમાં વિદેશીઓ મોટા પ્રમાણમાં હોય છે.
હમ્પી શા માટે જવું જોઈએ?
જો તમે ધાર્મિક છો તો હમ્પી જાવ. જો હરવા-ફરવાના અને સાઈટ સીઇંગના શોખીન હોવ, તો પણ હમ્પી જાવ. જો તમને પુરાતત્વમાં રસ છે, તો પણ હમ્પી તમારું ફેવરિટ ડેસ્ટીનેશન બની શકે છે.
પ્રભુ શ્રી રામ અને પરમ ભક્ત હનુમાનજી વિષે કોણ નથી જાણતું?! પણ શું તમને ખબર છે, કે રામ અને હનુમાન વચ્ચે પ્રથમ મુલાકાત હમ્પીમાં થયેલી? જી હા, માતા સીતાને શોધવા નીકળેલા રામને હમ્પી નજીકના પમ્પા સરોવર ખાતે જ સુગ્રીવ અને હનુમાનનો ભેટો થયેલો. એથી ય આગળ જઈએ તો શિવ-પાર્વતીની વાતમાં ય પમ્પા સરોવરનો ઉલ્લેખ છે. આ સિવાય બીજી અનેક ધાર્મિક કથાઓ પમ્પા સરોવર સાથે જોડાયેલી છે. આમ ધાર્મિક દ્રષ્ટિએ દરેક સનાતની માટે હમ્પી અને પમ્પા સરોવર આસ્થાના કેન્દ્ર ખરા જ!
વિઠ્ઠલ મંદિર (Vitthal Temple) :
હમ્પી કુલ ૪૧ કી.મી વર્ગનું ક્ષેત્રફળ ધરાવે છે. હમ્પીમાં પ્રવેશ કરતા જ આવે ‘વિઠ્ઠલ મંદિર’ (Vitthal Temple). અહીં મંદિરના પરિસરમાં એક મોટા પથ્થરને કોતરીને રથ બનાવવામાં આવ્યો છે. રાજા કૃષ્ણદેવરાયે કોણાર્કના મંદિર થી પ્રભાવિત થઈને આ સ્થાપત્ય બનાવડાવ્યું હતું. ૫૦ રૂપિયાની નવી ચલણી નોટને ધ્યાનથી જોજો. એમાં જે રથનું ચિત્ર દેખાય છે તે આજ! વિઠ્ઠલ મંદિરની બીજી કોતરણી પણ એટલી સરસ છે કે તમને અચંબિત કરી મૂકે! પાંચ-છ સદીઓ પૂર્વે કઈ રીતે થઇ હશે આવી અદભૂત કોતરણી! આજના આધુનિક સમયમાં પણ આવું કરવું અશક્યવત લાગે છે.
આજ મંદિરમાં આગળ મ્યુઝીકલ પિલર્સ (Musical pillars) છે. આ સ્તંભો પર જ મંદિર ઊભું છે આપણે હાથની થપાટ મારીયે તો આ સ્તંભોમાંથી ચોક્કસ સંગીત નીપજે છે! આશ્ચર્યની વાત એ છે કે અહીં જુદા જુદા ૮૧ જેટલા વાદ્યોનો અવાજ નિકળે છે! જયારે ભારતમાં અંગ્રેજોનું રાજ હતું ત્યારે તેઓ પણ આ મ્યુઝિક પિલર જોઈ આશ્ચર્ય ચકિત થયા હતા. એ સમયે બ્રિટીશરોએ આ સ્તંભો તોડીને જોયું તો પિલરો અંદરથી સહેજે ખોખલા નહોતા! જો સ્તંભો અંદરથી ખોખલા ન હોય તો પછી એમાંથી વાજિંત્ર જેવો અવાજ પેદા કઈ રીતે થાય છે? આ વાત હજી રહસ્ય જ રહેવા પામી છે!
વિરુપક્ષા મંદિર (Virupaksha Temple) :
વિઠ્ઠલ મંદિરથી આગળ જતા આવે ‘વિરુપક્ષા મંદિર’ (Virupaksha Temple). કોતરણી અને ચિત્ર કારીગરીનો અદભૂત નમૂનો એટલે આ મંદિર. અહીં ચિત્રો અને કોતરણીઓ દ્વારા રામાયણના દ્રશ્યોની રજૂઆત થઇ છે. આ મંદિરની એક બીજી રોચક વાત સૂર્યના પ્રકાશ અને પડછાયા વિશેની છે. મંદિરના અંદરના ભાગમાં ધ્યાન સાધના કરવા માટે કેટલાક ઓરડાઓ છે. એ પૈકીના એક ઓરડામાં સૂર્યપ્રકાશ માટે નાનકડો હોલ પાડ્યો છે. તેમાં પ્રકાશ સાથે બપોરે ૨:૦૦ થી ૪:૦૦ વાગ્યા સુધીમાં મંદિરના ટાવરનો પડછાયો પડે છે. અહીં ખુબીની વાત એ છે કે આ પડછાયો ઉલટો અને પાછો સોનેરી હોય છે! આ કોઈ જાદુ નથી પણ ભૌતિકશાસ્ત્ર (Physics)નો કમાલ છે! આજથી દોઢેક હજાર વર્ષ પહેલા આટલું હાઈ લેવલ ફિઝીક્સ આપણા પૂર્વજો કઈ રીતે શીખ્યા હશે? પડછાયો સુવર્ણરંગી હોવા પાછળ કદાચ મંદિરના ટાવર પર પડતો સૂર્યપ્રકાશ જવાબદાર હોઈ શકે છે. આ મંદિર માં શિવ આરાધના થાય છે.
આ મંદિર થી થોડા આગળ જઈએ તો ‘કમલ મહેલ’ છે. આ મહેલના બહારની તમામ છતો પણ પથ્થરમાંથી કોતરી ને બનાવેલ છે તેની કોતરણી કમળના ફુલ જેવી હોવાથી તેનુ નામ ‘કમલ મહેલ’ છે.
આગળ જતા જ ભગવાન નરસિંહાજી ની મૂર્તિ છે. એની કોતરણી પણ અદભૂત છે. આજ પરિસર માં આગળ ‘બડાવાલિંગ’ શંકર ભગવાનનું એક જ પથ્થરમાંથી બનેલું શિવલિંગ છે. તે પણ મોનોલિથ પદ્ધતિની કોતરણી નો ઉત્તમ નમૂનો છે.
હજી તો આપણે માત્ર ત્રણ-ચાર મુખ્ય સ્થળોની વાત કરી. પણ આખા હમ્પીમાં આવા ૧,૬૦૦ સ્થાપત્યો છે! ઈ.સ. ૧૫૬૫માં મોગલોએ આ શહેર પર આક્રમણ કર્યું અને આ ભવ્ય શહેરને નષ્ટ કર્યું. હમણાં મોટા ભાગની વસ્તુઓ ખંડેર હાલતમાં જોવા મળે છે ક્યારેક તો આંખો બંધ કરી કલ્પના કરવાની ઇચ્છા થાય, કે જો અહીં કોઈ ધર્માંધ આક્રમણો કરીને વિનાશ ન વેર્યો હોત તો આ શહેર કેટલું ભવ્ય હોત!
અંતે થોડી વાત વિજયનગર રાજ્યની. તેની સ્થાપના ઈ.સ. ૧૩૩૬માં રાજા હરિહર અને તેમના ભાઈએ કરી હતી. કુલ ચાર વંશો એ અહિયા રાજ કર્યું સંગમ વંશ, સાલુવવંશ, તુલુવ વંશ અને અરવિદુ વંશ. કૃષ્ણદેવ રાય તુલુવ વંશના હતા. તેઓ ભારતીય પરંપરામાં માનનારા હતા એમણે જ વિરુપક્ષ મંદિરનો જીર્ણોધ્ધાર કર્યો હતો. તેઓ સાહિત્યરસિક હતા. એમણે પોતે પણ ગ્રંથો લખ્યા હતા. ભારતીય કોઠાસૂઝના પ્રતિક જેવા તેનાલી રામા (Tenali Rama) કૃષ્ણદેવરાયના જ સમયમાં થઇ ગયા. (તમે તેનાલી રામાં ઉપરથી ઉતરેલી બન્ને સિરીયલ્સ તો જોઈ જ હશે.)
અહિયા તુંગભદ્રા નદીમાં સ્થાનિક લોકોના હાથથી બનાવેલ હોડી માં બેસવાનું ચૂકવા જેવું નથી. અહીં પર્વતમાળાનું સૌન્દર્ય પણ અદભૂત છે. કોરોના પછી જ્યારે પણ ટ્રાવેલ પ્લાન કરવાનો મોકો મળે ત્યારે હમ્પી જવાનું ચૂકશો નહિ!
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp