નવા પોપની પસંદગીમાં આ 4 ભારતીય કાર્ડિનલ્સની રહેશે મહત્ત્વપૂર્ણ ભૂમિકા, સમજી લો આખી ચૂંટણી પ્રક્રિયા
ખ્રિસ્તીઓના સૌથી મોટા ધર્મ ગુરુ પોપ ફ્રાન્સિસનું 21 એપ્રિલના રોજ 88 વર્ષની વયે નિધન થઈ ગયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને ન્યૂમોનિયાને કારણે તેમના બંને ફેફસાંને નુકસાન થયું હતું. હવે આગામી થોડા દિવસો સુધી વેટિકનમાં શોક મનાવવામાં આવશે અને આ સમય દરમિયાન આગામી પોપની પસંદગીની તૈયારીઓ પણ શરૂ થઈ જશે. શોક સમાપ્ત થયા બાદ, કૉલેજ ઓફ કાર્ડિનલ્સ નવા પોપની પસંદગી કરવા માટે એક કૉન્ક્લેવમાં ભેગા થશે. તેમાં લગભગ 135 કાર્ડિનલ્સનો સમાવેશ થશે, જેમાંથી 4 ભારતીય છે. આવો જાણીએ કે નવા પોપની પસંદગી કરનારાઓમાં આ 4 ભારતીય કાર્ડિનલ્સ કોણ છે.
ગોવા અને દમણના આર્કબિશપ કાર્ડિનલ ફેરાઓ 'કોન્ફરન્સ ઓફ બિશપ ઓફ ઈન્ડિયા’ અને અને 'ધ ફેડરેશન ઓફ એશિયન બિશપ્સ'ના પણ અધ્યક્ષ છે. 72 વર્ષીય ફેરાઓને પૂર્વ ઈન્ડીઝના સાતમા પેટ્રિઆર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ લાંબા સમયથી સામાજિક ન્યાય અને પ્રવાસીઓને સહયોગ આપવાના ક્ષેત્રમાં કાર્યરત છે.
કાર્ડિનલ બેસેલિયોસ કેરળના તિરુવનંતપુરમમાં સિરો-મલંકારા કેથોલિક ચર્ચના મુખ્ય આર્કબિશપ છે. 64 વર્ષીય કાર્ડિનલ લાંબા સમયથી પોતાની ચર્ચના ધર્મસભાઓના અધ્યક્ષ પણ રહ્યા છે. તેઓ વર્ષ 2001માં બિશપ બન્યા અને વર્ષ 2012માં કૉલેજ ઓફ કાર્ડિનલ્સમાં જોડાયા. સિરો-મલંકારા સમુદાયની અનોખી પરંપરાઓ અને શિક્ષણને જાળવવામાં તેમનું નેતૃત્વ મહત્વપૂર્ણ રહ્યું છે.
હૈદરાબાદના આર્કબિશપ કાર્ડિનલ પૂલાએ ભારતના પ્રથમ દલિત કાર્ડિનલ બનવાનો ઇતિહાસ રચ્યો છે. 63 વર્ષીય કાર્ડિનલની નિમણૂકને ચર્ચમાં સમાનતા તરફના એક મજબૂત પગલા તરીકે જોવામાં આવે છે. વેટિકનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તેમનું આર્કબિશપ હોવું જાતિ આધારિત ભેદભાવનો સામનો કરી રહેલા લોકો માટે આશા અને પ્રગતિનું કિરણ બની શકે છે.
જ્યોર્જ જેકબ કૂવાકડનું નામ સૌથી યુવા ઈલેક્ટર્સમાં સામેલ છે, જેમની ઉંમર 51 વર્ષ છે. તેઓ આંતર્ધાર્મિક સંવાદ માટે વેટિકનના ડાયકેસ્ટ્રીના પ્રિફેક્ટનું પદ પણ સંભાળે છે. તેઓ હાલમાં રોમમાં સેન્ટ એન્ટોનિયો ડી પાડોવા એ સર્કોનવાલાઝિઓન અપ્પિયામાં કાર્ડિનલ-ડીકન તરીકે સેવા આપે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp