બિન-હિન્દુઓની બદલી, રાજકીય ભાષણો પર પ્રતિબંધ, AIથી..., તિરુપતિ મંદિર બોર્ડે આ મોટા નિર્ણયો લીધા
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ની પ્રથમ બેઠક તાજેતરમાં પૂર્ણ થઈ હતી. આ બેઠકમાં તેના નવા પ્રમુખ બી.આર. નાયડુના નેતૃત્વમાં ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભગવાન વેંકટેશ્વર મંદિરમાં દર્શનનો સમય ૨-૩ કલાક ઓછા કરવા માટે એક એક્શન પ્લાન સૂચવવા માટે નિષ્ણાતોની એક પેનલની રચના કરવામાં આવશે. એ સિવાય ત્યાં રાજકીય ભાષણો પર પ્રતિબંધ મુકવામાં આવશે.
આ બેઠકમાં લાડુ બનાવવા માટે સારી ગુણવત્તાના ઘીની ખરીદી અને બિન-હિંદુઓની બદલી જેવા અન્ય ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે TTD એ બોર્ડ છે જે આંધ્ર પ્રદેશના શ્રી વેંકટેશ્વર મંદિરનું સંચાલન કરે છે. જૂનમાં તેલુગુ દેશમ પાર્ટી (TDP)ની આગેવાની હેઠળની સત્તામાં આવ્યા બાદ આ પ્રથમ બેઠક પણ હતી.
TTD કાર્યકારી અધિકારી જે. શ્યામલા રાવે જણાવ્યું હતું કે તેઓ ભગવાન વેંકટેશ્વરના દર્શન માટે પ્રતિક્ષાનોનો સમય ઓછો કરવાની રીતો શોધવા માગે છે, જે ક્યારેક-ક્યારેક 20 કલાક થઇ જાય છે. આ હેતુ માટે, TTD AI અને અન્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ભક્તોની ભીડ ઘટાડવા અને સુવ્યવસ્થિત કરવાની રીતો સૂચવવા માટે નિષ્ણાતોની એક પેનલની રચના કરશે.
રાવે કહ્યું કે TTDએ તિરુમાલામાં કામ કરતા બિન-હિન્દુઓ અંગે યોગ્ય નિર્ણય લેવા માટે રાજ્ય સરકારને ચિઠ્ઠી લખવાનું પણ નક્કી કર્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, TTD ઇચ્છે છે કે મંદિરમાં કામ કરતા બિન-હિન્દુ કર્મચારીઓને અન્ય સરકારી સંસ્થાઓમાં બદલી કરી દેવામાં આવે અથવા VRS ઓફર કરવામાં આવે. મંદિરના તમામ કર્મચારીઓ TTDના ધાર્મિક અને આધ્યાત્મિક મૂલ્યોને અનુરૂપ છે તે સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
બોર્ડે સ્પેશિયલ એન્ટ્રી ટિકિટ જાહેર કરવામાં ગેરરીતિ અંગેની ફરિયાદોની સંપૂર્ણ તપાસ કર્યા બાદ વિવિધ રાજ્યોના એપી ટૂરિઝમ કોર્પોરેશનના 'દર્શન' ક્વોટાને નાબૂદ કરવાનો પણ નિર્ણય લીધો છે. બેઠકમાં એ પણ ચર્ચા કરવામાં આવી હતી કે રાજકારણીઓ મંદિરમાં પ્રાર્થના કર્યા પછી નિવેદનો અથવા ભાષણો આપે છે, તેથી TTD બોર્ડે રાજકીય જોડાણને ધ્યાનમાં લીધા વિના તિરુમાલામાં આવા નિવેદનો અથવા ભાષણો પર પ્રતિબંધ મૂક્યો છે. રાવે કહ્યું કે, જો જરૂર પડશે તો આવા લોકો તેમજ તેમને પ્રોત્સાહન આપનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
બોર્ડના કેટલાક સભ્યોની ચિંતાઓ વચ્ચે, TTDએ ખાનગી બેંકોમાંથી તેની તમામ જમા રકમ કાઢીને રાષ્ટ્રીયકૃત બેંકોમાં જમા કરવાનો પણ નિર્ણય લીધો છે. આ ઉપરાંત, TTD પ્રખ્યાત લાડુ સહિત પ્રસાદ તૈયાર કરવા માટે વધુ સારી ગુણવત્તાના ઘીની ખરીદી માટે ફરીથી ટેન્ડર બહાર પાડે તેવી શક્યતા છે. TTD બોર્ડે આ વર્ષે 4-13 ઓક્ટોબર દરમિયાન આયોજિત વાર્ષિક બ્રહ્મોત્સવમ દરમિયાન વિશેષ સેવાઓ પ્રદાન કરનારા કર્મચારીઓ માટે રોકડ પુરસ્કારોમાં 10 ટકાના વધારાની પણ મંજૂરી આપી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp