સરકારની સામે પડ્યા ભાજપ નેતા, કહ્યું- ‘રાત્રે કર્ફ્યુ અને દિવસે લાખોની રેલી; આ મગજમાં નથી બેસતુ

સરકારની સામે પડ્યા ભાજપ નેતા, કહ્યું- ‘રાત્રે કર્ફ્યુ અને દિવસે લાખોની રેલી; આ મગજમાં નથી બેસતું’

12/27/2021 Politics

SidhiKhabar

SidhiKhabar

સરકારની સામે પડ્યા ભાજપ નેતા, કહ્યું- ‘રાત્રે કર્ફ્યુ અને દિવસે લાખોની રેલી; આ મગજમાં નથી બેસતુ

પોલિટીકસ ડેસ્ક: દેશમાં ઓમિક્રોનના કારણે ફરીથી સરકાર અને લોકો બંને ચિંતામાં મૂકાયા છે. ચિંતામાં મૂકાયેલી સરકાર એક તરફ લોકોને ભીડ ન કરવાની, માસ્ક પહેરવાની અને તકેદારી રાખવાની અપીલ કરી રહી છે તો બીજી તરફ રાજકીય રેલીઓ પણ ચાલુ છે, જેમાં લાખોની સંખ્યામાં લોકો માસ્ક પહેર્યા વગર પહોંચી જાય છે. યુપી સરકારે પણ હાલમાં રાત્રિ કર્ફ્યુ લાગુ કર્યો છે ત્યારે આ નિયમોને લઈને પાર્ટીના જ નેતાએ સવાલો ઉઠાવ્યા હતા. 


ભાજપ નેતા વરૂણ ગાંધીએ ટ્વીટ કરીને પૂછ્યું હતું કે, દિવસે લાખો લોકોને રેલીમાં બોલાવવાના અને રાત્રે કર્ફ્યુ લાગુ કરવાનો. આ વાત સામાન્ય લોકોને મગજમાં બેસતી નથી. તેમણે ટ્વીટ કરીને કહ્યું: ‘ઉત્તર પ્રદેશની સીમિત સ્વાસ્થ્ય વ્યવસ્થાને ધ્યાનમાં લઈને આપણે ઈમાનદારીથી એ નક્કી કરવું પડશે કે આપણી પ્રાથમિકતા ઓમિક્રોનનો ફેલાવો રોકવાની છે કે ચૂંટણી માટે શક્તિ પ્રદર્શન.’ 


ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી આવી રહી છે. દેશના સૌથી મોટા રાજ્યમાં ચૂંટણી હોવાના કારણે એક તરફ દેશભરમાં તેની ચર્ચા થઇ રહી છે તો બીજી તરફ અત્યારથી જ રેલીઓ શરૂ થઇ ગઈ છે.પીએમ મોદી હોય, સીએમ યોગી આદિત્યનાથ હોય કે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ હોય, તમામ નેતાઓની રેલીઓમાં હકડેઠઠ લોકો આવે છે અને કોરોનાના નિયમોનું પાલન થતું નથી. 

બીજી તરફ, કોરોનાનો પ્રસાર રોકવા માટે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે 25 ડિસેમ્બરથી રાત્રિ કર્ફ્યુ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. જે મુજબ રાત્રે 11 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહે છે. જોકે, આ રાત્રિ કર્ફ્યુ લાગુ કરનાર યુપી એકમાત્ર રાજ્ય નથી. ગુજરાત એક વર્ષથી આઠ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લગાવીને બેઠું છે જ્યારે મધ્ય પ્રદેશ તેમજ દિલ્હીમાં પણ આજથી રાત્રિ કર્ફ્યુ લાગુ કરવામાં આવશે. 


જોકે, આ પહેલીવારનું નથી જયારે વરૂણ ગાંધી પાર્ટીલાઈનથી આગળ જઈને બોલ્યા હોય. ખેડૂત આંદોલન મુદ્દે પણ તેમણે ખેડૂતોનું સમર્થન કર્યું હતું તેમજ લખીમપુર ખિરી કાંડ મામલે પણ સરકારને સવાલો કર્યા હતા. છેલ્લા કેટલાક સમયથી તેમને ભાજપમાં બળવાખોર નેતા તરીકે જોવામાં આવી રહ્યા છે તો ક્યાંક ચર્ચા એ પણ ચાલે છે કે તેઓ પાર્ટી બદલી શકે છે. વરૂણ ગાંધી રાહુલ ગાંધીના પિતરાઈ ભાઈ થાય છે. 

વરૂણ ગાંધીના આવા પાર્ટી કે સરકાર વિરોધી નિવેદનોને જોતા જ તેમને રાષ્ટ્રીય કારોબારીમાંથી પડતા મૂકવામાં આવ્યા હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાય છે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top