શું સંસદના શિયાળુ સત્રમાં વક્ફ બિલ 2024 પસાર થશે? વિલંબનું કારણ જાણો
Waqf Bill Amendment: વક્ફ સુધારા અધિનિયમને લઇને રાજકીય નિવેદનબાજી અને ચર્ચા ચાલી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મહારાષ્ટ્રમાં એક રેલી દરમિયાન સ્પષ્ટપણે કહ્યું હતું કે ટૂંક સમયમાં મોદી સરકાર વક્ફ બિલમાં સુધારો કરશે, પરંતુ સવાલ એ છે કે શું વક્ફ સંશોધન બિલ સંસદમાં શિયાળુ સત્રમાં પસાર થશે કે નહીં? પ્રાપ્ત માહિતી અનુસાર આ મામલે શંકાની સ્થિતિ સર્જાઇ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વક્ફ સુધારા બિલને લઇને બનેલી સંસદની સંયુક્ત સમિતિની કાર્યવાહી પૂર્ણ થઇ શકી નથી. સમિતિની હજુ કેટલાક રાજ્યોની મુલાકાત બાકી છે જેના કારણે શંકા છે. આ વિલંબના કારણે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શું આ બિલને શિયાળુ સત્રમાં પસાર કરવામાં મુશ્કેલી પડશે?
સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલે કહ્યું હતું કે, અમે વર્તમાન સત્રમાં રિપોર્ટ રજૂ કરવા માટે તૈયાર છીએ અને તેના પર કામ ચાલી રહ્યું છે. જો કે, અમે વિવાદ દ્વારા નહીં પરંતુ વાતચીત દ્વારા વિપક્ષનો સામનો કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ અગાઉ, વિપક્ષી સાંસદોએ સમિતિનો કાર્યકાળ વધારવાની માગ કરી હતી અને સમિતિના અધ્યક્ષના નિર્ણયો પર નારાજગી પણ વ્યક્ત કરી હતી.
સૂત્રોનું કહેવું છે કે સમિતિનો અંતિમ અહેવાલ તૈયાર કરવામાં વિલંબ થવા પાછળનું એક કારણ વિધાનસભાની ચૂંટણી અને પેટાચૂંટણી પણ છે. વિપક્ષી સાંસદો કે જેઓ સંયુક્ત સમિતિનો ભાગ છે તેઓ ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી બેઠક કરવા માગતા નથી. જેના કારણે પ્રક્રિયામાં વધુ વિલંબ થઇ શકે છે.
આ સિવાય કમિટી અન્ય કેટલાક હિતધારકો સાથે પણ ચર્ચા કરવા માગે છે, પરંતુ આ ચર્ચા હજુ પૂર્ણ થઇ નથી. આગામી દિવસોમાં આ હોદ્દેદારો સાથે ચર્ચા થવાની શક્યતા છે, જેથી તેમનું વલણ સમજીને રિપોર્ટમાં સામેલ કરી શકાય.
વક્ફ સુધારા બિલ પર રચાયેલી સંયુક્ત સમિતિએ અત્યાર સુધીમાં 25 બેઠકો યોજી છે અને 10 કરતા વધુ રાજ્યોના પ્રતિનિધિઓને મળ્યા છે. આગામી વિધાનસભાની ચૂંટણી અને પેટા ચૂંટણીના મતદાન બાદ સંયુક્ત સમિતિની આગામી બેઠક બોલાવવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સંસદની સંયુક્ત સમિતિ આ બિલ પર પોતાનો રિપોર્ટ ઉતાવળમાં ગૃહમાં રજૂ કરવા માગતી નથી. આ બિલને લઇને ઘણી વખત મતભેદો ઉભા થયા છે અને સમિતિમાં હોબાળો પણ થઇ ચૂક્યો છે. આ સિવાય વિપક્ષી સાંસદોએ સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલ પર પ્રશ્નો ઉઠાવ્યા છે અને મામલો લોકસભા અધ્યક્ષ સુધી પહોંચી ચૂક્યો છે. જો કોઇ નિર્ણય ઉતાવળમાં લેવામાં આવે તો તેનાથી વિવાદો હજુ વધી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ સમગ્ર પ્રક્રિયામાં એક મહિનો કે તેનાથી વધુ સમય લાગી શકે છે. જ્યારે વક્ફ સંશોધન બિલ સંસદના બંને ગૃહોમાં રજૂ કરવામાં આવ્યું હતું, ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે સંયુક્ત સમિતિ શિયાળુ સત્રના પ્રથમ સપ્તાહમાં અહેવાલ રજૂ કરશે. જો અહેવાલ સમયસર રજૂ કરવામાં આવ્યો હોત તો આ સત્રમાં આ બિલ પસાર થઇ શકતું હોતું, પરંતુ હવે સ્થિતિ સ્પષ્ટ નથી અને શંકાની સ્થિતિ છે.
આમ, વક્ફ સંશોધન બિલને પસાર થવાની અને કાયદો બનવાની શક્યતાઓ સામે સવાલો ઉઠી રહ્યા છે. સમિતિની પ્રક્રિયા પૂર્ણ ન થવાના કારણે હવે શિયાળુ સત્રમાં આ બિલ પસાર થશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp