સુરત: MD ડ્રગ્સના ઓવરડોઝથી સારવાર દરમિયાન 32 વર્ષીય યુવકનું મોત
Youth dies of overdose of MD drugs in Surat: સુરત સહિત ગુજરાતમાં ડ્રગ્સની લે-વેચના મામલા સતત પ્રકાશમાં આવતા રહે છે. જે દર્શાવે છે કે ગુજરાતનું યુવાધન હવે ડ્રગ્સની નશાખોરી તરફ વળી રહ્યું છે. હાલમાં જ સુરત ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે 2 દિવસમાં રાંદેર વિસ્તારમાંથી 3 આરોપીઓને 80.140 ગ્રામ ડ્રગ્સ સાથે પકડી પાડ્યા હતા. આ અગાઉ અમદાવાદ, રાજકોટ જેવા શહેરોમાંથી પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સ મળી આવ્યું છે. જ્યારે હવે સુરતથી એવા સમાચાર મળી રહ્યા છે કે MD ડ્રગ્સના ઓવરડોઝને કારણે એક યુવકનું મોત થઇ ગયું છે.
મળતી માહિતી મુજબ, સુરતના ઉન વિસ્તારમાં 32 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત થઇ ગયું છે. પરિવારનું અનુમાન છે કે, MD ડ્રગ્સના ઓવરડોઝને કારણે જ યુવકનું મોત થયું છે. મૃતકના ભાઈએ કહ્યું કે, મારા ભાઈનું મોત MD ડ્રગ્સના ઓવરડોઝને કારણે જ થયું છે. ઉન પાટિયાથી લઈને ધંધા ચોકડી સુધી આ ધંધો ચાલી રહ્યો છે. પોલીસને મારી એટલી જ વિનંતી છે કે, આ બધુ બંધ કરાવીને યુવાનોને બચાવવામાં આવે. આ ધંધા ઉપર કાર્યવાહી કરો. મારા ભાઈને 3 દીકરીઓ છે અને ઘરમાં કમાવાળો તે એક જ હતો. મારા ભાઈને ન્યાય મળવો જોઈએ.
ઉન વિસ્તારમાં આવેલી સંજર સોસાયટીના નવાઝખાન પઠાણ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. નવાઝ ખા સમયે-સમયે દારૂ પણ પીતો હતો. થોડા દિવસથી તે મિત્રો સાથે MD ડ્રગ્સનો નશો કરતો પણ થઈ ગયો હતો. 20 જાન્યુઆરીની રાત્રે 11:00 વાગ્યાના સમયગાળામાં નવાઝે પોતાના ઘર પર કોઇ નશાકારક દ્રવ્યનું ઇન્જેકશન લીધું હતું. ત્યારબાદ સવારે તેને ખેંચ આવી ગઈ હતી અને બેભાન થઇ ગયો હતો. ત્યારબાદ લગભગ 3 ખાનગી હૉસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. જો કે, કોઈ રિકવરી ન આવી અને સારવાર દરમિયાન તેનું મોત થઇ ગયું. જોકે પોસ્ટમૉર્ટમ રિપોર્ટ બાદ તેના મોતનું સાચું કારણ સામે આવશે. હાલમાં આ મામલે ભેસ્તાન પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp