અમદાવાદ અને મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે નવીનતમ અપડેટ; NH-48 પર 210 મીટર લાંબો પુલ તૈયાર
Bullet Train Project Update: દેશના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઇને સમગ્ર દેશના લોકોમાં ભારે ઉત્સાહ છે. અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડનારી આ બુલેટ ટ્રેન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ ડ્રીમ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટનું કામ હવે ટૂંક સમયમાં પૂર્ણ થવાનું છે. અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડનારી આ હાઇ-સ્પીડ ટ્રેનનું મોટાભાગનું કામ દક્ષિણ ગુજરાતમાં થવાનું છે. આ કામ બુલેટ સ્પીડથી ચાલી રહ્યું છે. તેનું જીવંત ઉદાહરણ તરીકે, તમે વલસાડમાંથી પસાર થતા નેશનલ હાઇવે (NH) 48 પર બાંધવામાં આવેલ 210 મીટર લાંબો બુલેટ ટ્રેન બ્રિજ જોઇ શકો છો.
આ 210 મીટર લાંબો પ્રી-સ્ટ્રેન્ડ કોંક્રિટ બ્રિજ વલસાડ જિલ્લાના વધાલધારા ગામ નજીક NH 48ને પાર કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ પુલ પર વાહનચાલકોને કોઇપણ પ્રકારની અસુવિધાનો સામનો નહીં કરવો પડે. તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખતા પુલની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. આ સાથે, સુરત અને બીલીમોરા સ્ટેશન વચ્ચે એક પુલ પણ બનાવવામાં આવ્યો છે. હવે બધા ફક્ત ટ્રેન ઉપડવાની રાહ જોઇ રહ્યા છે.
વડાપ્રધાન મોદી અને જાપાનના તત્કાલીન વડાપ્રધાન શિન્ઝો આબેએ સપ્ટેમ્બર 2017માં અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ ટ્રેન અમદાવાદના સાબરમતી સ્ટેશન અને મુંબઇ વચ્ચે દોડશે. આ ટ્રેન 320 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. આ સાથે, અમદાવાદથી મુંબઇની મુસાફરી માત્ર 2 કલાકમાં પૂર્ણ થશે. આ ટ્રેન ગુજરાતમાં 348.4 કિમી, મહારાષ્ટ્રમાં 155.76 કિમી અને દાદરા નગર હવેલીમાં 4.3 કિમીનું અંતર કાપશે. તે અમદાવાદ અને મુંબઇ વચ્ચે 12 સ્ટેશનો પર રોકાશે. તેમાં ગુજરાતના સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બેલીમોરા અને વાપી સ્ટેશનો અને મહારાષ્ટ્રના બોઇસર, વિરાર, થાણે અને મુંબઇ સ્ટેશનોનો સમાવેશ થાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp