પહેલી જીત સાથે જ રિયાન પરાગ માટે આવ્યા માઠા સમાચાર, IPLએ ફટકાર્યો ભારે દંડ
IPL 2025: રાજસ્થાન રોયલ્સ (RR)ની ટીમ 30 માર્ચે IPL 2025માં પોતાની પહેલી જીત નોંધાવવામાં સફળ રહી. ગુવાહાટીમાં રમાયેલી મેચમાં રાજસ્થાને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને 6 રનથી હરાવી દીધી. આ રીતે, રાજસ્થાન રોયલ્સના કાર્યકારી કેપ્ટન રિયાન પરાગે તેની કેપ્ટનશીપ હેઠળ પ્રથમ વિજયનો સ્વાદ ચાખ્યો. જોકે, આ જીત સાથે તેના માટે એક માઠા સમાચાર પણ આવ્યા છે. રિયાન પરાગ પર ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. ચેન્નાઈ સામેની મેચમાં ધીમી ઓવર રેટને કારણે તેના પર આ દંડ ફટકારવામાં આવ્યો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL એ આ માહિતી આપી.
IPLએ રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગ પર ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે IPL 2025ની 11મી મેચ દરમિયાન તેની ટીમ દ્વારા સ્લો ઓવર રેટ જાળવી રાખવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. નિવેદન અનુસાર, IPL નાઆચારસંહિતાના ન્યૂનતમ ઓવર-રેટના ગુનાઓ સાથે સંબંધિત નિયમ 2.2 હેઠળ તેની ટીમનો આ સિઝનમાં આ પહેલો ગુનો હતો, તેથી રિયાન પરાગ પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
IPL 2025માં આ પહેલી વાર નથી જ્યારે કોઈ કેપ્ટનને સ્લો ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો હોય. રિયાન પરાગ પહેલા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને પણ દંડનો ફટકારવામાં આવ્યો હતો. ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં સ્લો ઓવર રેટને કારણે તેને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ગત સીઝનમાં, આ ભૂલને કારણે, હાર્દિક પર એક મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેના કારણે તે IPL 2025માં મુંબઈ માટે પહેલી મેચ રમી શક્યો નહોતો.
નોંધનીય છે કે સંજૂ સેમસન સંપૂર્ણપણે ફિટ ન હોવાથી રિયાન પરાગ રાજસ્થાન રોયલ્સના કાર્યકારી કેપ્ટન છે. આ જ કારણ છે કે સંજૂ અત્યાર સુધી રાજસ્થાન માટે ફક્ત એક સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન તરીકે રમતો જોવા મળ્યો છે જ્યારે ધ્રૂવ જુરેલ વિકેટકીપરની ભૂમિકામાં જોવા મળ્યા છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે સંજૂ ક્યારે કેપ્ટન તરીકે પરત ફરી શકશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp